તાજેતરમાં ભારતમાં હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ મુસાફરોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે, એરલાઇન્સને 35 થી વધુ નકલી કૉલ્સનો સામનો કરવો પડ્યો છે.
વિસ્તારાની ફ્લાઈટ (UK17):
દિલ્હીથી લંડન જતી ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકીને કારણે પાઇલોટે ફ્લાઇટને જર્મનીના ફ્રેન્કફર્ટ તરફ વાળવાનો નિર્ણય કર્યો. 18 ઓક્ટોબર, 2024ના રોજ સોશિયલ મીડિયા પર આ ફ્લાઇટને લઈને સુરક્ષાનો ખતરો મળ્યો હતો.તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.અને સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખી ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
એર ઇન્ડિયા એકસપ્રેસ (IX 196):
જયપુરથી દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને પણ બોમ્બની ધમકી મળી હતી.બાદમાં આ ધમકી નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ ફ્લાઈટને પણ થોડો સમય રોકવી પડી હતી.જેના કારણે મુસાફરોને હાલાકી સહન કરવી પડી હતી.
Akasa Air (QP 1366):
બેંગલુરુથી મુંબઇ જતી Akasa Airની ફ્લાઈટને પણ ટેક-ઓફ પહેલા બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઇટની તપાસ બાદ, તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું અને તેને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી હતી.
દુબઈ-જયપુર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 195) :
બોમ્બની ધમકીને કારણે ફ્લાઈટમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. નિર્ધારિત સમય સવારે 6:10 વાગ્યે હતો. પરંતુ ફ્લાઇટ સવારે 7:45 વાગ્યે દુબઈ માટે રવાના થઈ હતી. વિસ્તારાની ફ્લાઇટ જે ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવી હતી તેણે પાછળથી લંડન સુધીનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો.