દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીમાં ર૬ વર્ષથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા ઘોડા ડોકટર ઝડપાયો
જામનગરનાં મોટી ખાવડી પાસે પતરાની ઓરડીમાં ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરી કલીનીક ચલાવતા ત્રણ શખ્સોને જયારે દેવભુમિ દ્વારકાના સુરજ કરી બસ સ્ટેશન પાસે મેડીકલની કોઇપણ પ્રકારની ડીગ્રી વિના છેલ્લા ર૬ વર્ષથી પ્રેકટીસ કરી દર્દીઓને દવા આપતા નકલી ડોકટરને પોલીસે ઝડપી લીધો છે.
જામનગર-ખંભાળીયા હાઇવે પર મોટી ખાવડી પંથકમાં એસઓજી પોલીસે મજુર વસાહત પાસે પતરાની જુદી જુદી ઓરડીમાં તબીબી ડીગ્રી વગર જ દર્દીઓને દવા આપીને જનઆરોગ્ય સાથે ચેડા કરતા માત્ર ધો.૧૦ સુધી ભણેલા ત્રણ બોગસ તબીબને પકડી પાડયા છે. જામનગર નજીક મોટી ખાવડી પંથકમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. જે દરમ્યાન સ્ટાફના અશોકભાઇ સોલંકી અને મયુદિનભાઇ સૈયદને ખાનગી કંપનીની લેબ કોલોનીના ગેઇટ નં.૮ સામે જુદી જુદી પતરાની ઓરડીમાં કોઇપણ પ્રકારની માન્ય તબીબી ડીગ્રી વગર દર્દીઓને તપાસીને દવા આપીને અમુક બોગસ તબીબ ગેરકાયદે મેડીકલ પ્રેકટીસ કરતા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે જુદી જુદી ત્રણ પતરાની ઓરડીમાં દરોડો પાડી તપાસણી કરતા અંદરથી ત્રણ પરપ્રાંતિય શખ્સો મળી આવ્યા હતા.જેની પ્રાથમીક પુછપરછ કરતા તેની પાસે કોઇ તબીબી પ્રમાણપત્ર કરતા તેની પાસે કોઇ તબીબી પ્રમાણપત્ર પણ મળી આવ્યું ન હતું.
જયારે ત્રણેય પરપ્રાંતિય શખ્સો માત્ર ધો.૧૦ સુધી ભણવા હોવાનું પણ પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું. આથી પોલીસે રાજેશ ગુપ્તા, વિકાસદાસ અને પ્રોબીર સરકારને પકડી પાડી ત્રણેય સામે ગુજરાત મેડીકલ પ્રેકટીસનર્શ એકટ મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકાના સુરજકરાડીમાં માન્ય મેડીકલની ડીગ્રી વગર જ પ્રેકટીસ કરી ર૬ વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને પોલીસે પકડી પાડયો છે. પોલીસે સ્થળ પરથી એલોપેથીક દવાઓ અને રોકડ સહીત કુલ રૂ ૧૦ હજારનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકાના સુરજકરાડી વિસ્તારમાં બસ સ્ટેન્ડની બાજુમાં રમણીક ગોકળભાઇ સુખડીયા નામનો ડોકટર માન્ય મેડીકલની ડ્રીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હોવાની મીઠાપુર પોલીસને હકિકત બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ ડો. અંકિતા ગૌસ્વામી અને ડો. બંકિમચંદ્ર જેઠવાને સાથે રાખીને સ્થળ પરથી ખાનગી મેડીકલ પ્રેકિટશ કરી દવાખાનું ચલાવતા રમણીક ગોકળભાઇ સુખડીયાને ત્યાં જઇ ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટડ મેડીકલનું પ્રમાણપત્ર માંગ્યું હતું. તે પ્રમાણપત્ર નહી ધરાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ધોરણોસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.