માંગરોળ નજીકના વિરોલ ગામે નદીમાં નહાવા પડેલા સાળા-બનેવી સહિત ત્રણ યુવાનોના ડુબી જતા મોત નીપજયા હતા. ઈદના બીજા દિવસે સજાઁયેલી કરૂણ ઘટનાને પગલે મુસ્લિમ પરીવારનો તહેવારનો ઉત્સાહ ઘેરા શોકમાં ફેરવાયો હતો. ત્રણેય મૃતકોને પી.એમ. અથેઁ અત્રેની હોસ્પિટલમાં લાવતા લોકોના ટોળા ઉમટયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ:- અત્રેથી ૧૭ કિ.મિ. દુર આવેલા ચાખવા ગામના આઠ થી દસ જેટલા યુવાનો બપોરે નજીકમાં આવેલા વિરોલ ગામની વિરોલા નદીમાં નહાવા પડયા હતા. દરમ્યાન પાણીમાં બે યુવાનો ડુબવા લાગતા સાજીદખાને ચાખવા ગામે પોતાના સબંધીને ફોન કરી જણાવ્યું હતું કે “બે છોકરાઓ ડુબી રહ્યા છે, હું તેમને બચાવવા જાંઉ છું, તમે લોકો જલ્દી આવો”. એક યુવાનને બચાવવા બીજો અને બીજાને ડુબતો બચાવવા ત્રીજાએ નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા વિરોલ, ચાખવા તથા આજુબાજુના સરસાલી, થલ્લી, કારેજ, ખરડા સહિતના ગામોમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ દસેક તરવૈયાઓની એકાદ કલાકની જહેમત બાદ નદીના પાણીમાં ગરકાવ આસીફખાન અયુબખાન બેલીમ (ઉ.વ. ૨૪), સાજીદખાન હસનખાન બેલીમ (ઉ.વ.૨૮)(રહે. બંને ચાખવા) અને ફૈસલખાન મહમદખાન બેલીમ (ઉ.વ.૧૮)ની લાશ જ બહાર નીકળી હતી. ત્રણેય હતભાગી યુવાનોના મૃતદેહને પી.એમ. અથેઁ અત્રેની સરકારી હોસ્પિટલે લાવતા મુસ્લિમ સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.
મૃતક સાજીદખાન અને આસીફખાન સાળા-બનેવી તથા ફૈસલખાન અને આસીફખાન મામા-ફઈના ભાઈઓ થતા હોવાનું જાણવા મળેલ છે. જયારે ગડુ રહતો ફૈસલખાન ઈદ કરવા ચાખવા ગામે મામાના ઘરે આવ્યો હતો. પ્રત્યક્ષદશીઁઓના જણાવ્યા મુજબ નદીનું પાણી ખાસ કાંઈ ઊંડુ ન હતું, પરંતુ કાંઠાથી ૧૨ થી ૧૫ ફુટ દુર પાણીમાં નરમ માટીના ખાડામાં ખુંપી જવાથી મોત નીપજયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.