- હનુમાનપૂર ગામમાં મકાનના સમારકામ દરમિયાન બનાવ : એકસાથે ત્રણ અર્થી ઉઠતા ગામ આખુ હિબકે ચડ્યું
અમરેલીના ખાંભામાં વીજ શોક લાગવાથી 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનનું સમારકામ ચાલતુ હતુ ત્યારે અચાનક કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનામાં 2 સગા ભાઈ અને ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા તો અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે. તેવામાં અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનનું સમારકામ ચાલતુ હતુ. તેવામાં રેતી વોશિંગ કરતા સમયે 3 લોકોને વીજ કરંટ લાગતા 2 સગા ભાઈ અને ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મકાનનું કામ ચાલતું હોવાને કારણે મશીનમાં રેતી વોશિંગ કરતા સમયે વીજશોક લાગવાથી 2 સગા ભાઈ અને ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આહીર બોરીચા પરિવારના સમાજના 2 સગા ભાઈ અને ભત્રીજા સહીતનું મોત થી નાનકડા હનુમાનપૂર ગામમાં શોક વ્યાપી ગયો હતો. મૃતકોની પ્રાથમિક વિગત મુજબ, પથુભાઇ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32), માનકુભાઇ જીલુભાઈ બોરીચા (ઉ.વ.30), મૃતક ભૌતિકભાઈ બાબુભાઇ બોરીચા આ ત્રણેય હનુમાનપૂર ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. મૃતકોને પીએમ અર્થે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આદર્યો છે.
મેટોડામાં બાંધકામના શ્રમિકનું વીજકરંટથી મોત
મેડોડામાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ભીખાભાઇ અંબાણી (ઉ.વ.49) રવિવારે દેવગામ પાસેના માનસિક આશ્રમમાં બાંધકામ ચાલતું હોય ત્યાં કામ કરતા હતા ત્યારે વીજકરંટ લાગતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા મેટોડા પોલીસે તપાસ કરતા હિંમતભાઇ કામ કરતી વેળાએ લોખંડનો પાઇપ લઇને મુકતી વેળીએ વીજ તારને અડી જતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
ધોરાજીના વાડોદર ગામે પાણીમાં તાણાતા યુવાનનું મોત
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે પાણીમાં તણાઈ જતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર વડોદર ગામે રહેતા ભરતભાઇ પરમાર (ઉ.વ.40) આજે બપોર બાદ વાડોદર વિસ્તારમાં ભારે વરસાદ બાદ પોતાના ખેતરમાં કેવો વરસાદ થયો છે તે જોવા એક્ટિવા લઈ વાડીએ ગયેલ અને તે સમયે પુલ પરથી વાહન કાઢવા જતાં વોકળામાં પડી જતાં પાણીમાં તણાયા બાદ મૃત્યુ થયું છે.