નખત્રાણા પાસે કાર પુલ સાથે અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ભુજ પાલારા જેલના કલાર્ક સહિત છ ઘવાયા
કચ્છમાં માતાના મઢ દર્શન કરા જતા ભૂજ પાલારા જેલના કલાર્કના પરિવારની કાર ઉગેડી ગામ પાસે પુલસાથે અથડાતા સર્જાયેંલા ગમખ્વાર અકસ્માતમાં જેલના કલાર્કના પત્ની અને માતા સહિત ત્રણના મોત નિપજયા છે. અકસ્માતમાં અન્ય છ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના સાસુ-વહુના મોતથી અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે.
નખત્રાણા-માતાનામઢ હાઇવે ફરી રક્તરંજીત બન્યો છે. તાજેતરમાં બે વ્યક્તોઓના મોત થયાની ઘટના તાજીજ છે. ત્યાં શનિવારે સવારે ભુજથી માતાનામઢ દર્શન કરવા જતાં અમદાવાદના વિરમગામના પરિવારજનોની કાર ઉગેડી પાસેના વળાંકામાં પુલીયા સાથે અથડાતાં બે મહિલા સહિત ત્રણના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય છ લોકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા.
વિરમગામ ખાતે રહેતા અને ભુજની પાલારા ખાસ જેલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૌશિકભાઇ બળદેવભાઇ પરમાર અને તેમના પરિવારના સભ્યો માતાનામઢ દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે સવારે અગ્યાર વાગ્યાના અરસામાં ઉગેડી નજીક વળાંકમાં તેમની કાર પુલીયા સાથે ધડકાભેર ભટકાઇ જતાં કારમાં સવાર નવ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં સવિતાબેન બળદેવભાઇ પરમાર (ઉ.વ.71), ભરતભાઇ અમૃતભાઇ પરમાર (ઉ.વ.34)નું સ્થળ પર કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નખત્રાણા બાદ ભુજ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં કૌશિકભાઇના પત્ની ધનગૌવરીબે પરમાર (ઉ.વ.44)નું સારવાર પૂર્વે મૃત્યું થયું હતું. જ્યારે કૌશિકભાઇ બળદેવભાઇ પરમાર (ઉ.વ.45), ઉર્વશીબેન બળવંતસિંહ રાજપુત (ઉ.વ.40), ચંદુભાઇ મણીલાલ પરમાર, (ઉ.વ.34), અનિલાબેન અમૃતલાલ પરમાર, જય કૌશિકભાઇ પરમાર (ઉ.વ.18), દિપેશ કૌશિકભાઇ પરમાર (ઉ.વ.23)ને ઇજાઓ પહોંચતાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યાવહી કરી છે.