જસદણના મહિલા સહિત કુલ સાત દર્દીઓ પોઝીટીવ: ૨૫૬ કેસ, ૪૯ દર્દીઓ સારવારમાં
રાજકોટ સહિત આસપાસના જીલ્લાઓમાં સ્વાઇનફલુએ માઝા મૂકી હોય તેમ ચાલુ વર્ષનો મૃત્યુઆંક પ૦ને પાર પહોંચી ગયો છે. જયારે ગઇકાલે વધુ સાત દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
રાજકોટ શહેરના ૩પ વર્ષના યુવાન તેમજ ગીર-સોમનાથ અને જસદણ સહીત સ્વાઇન ફલુને કારણે રવિવારે ત્રણ લોકોના મોત થયા હતા અને વધુ સાત કેસ પોઝીટીવ આવ્યા હતા.
રાજકોટ શહેરની ધર્મજીવન સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના યુવાનને સ્વાઇન ફલુ લાગુ પડતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ ઉપરાંત જસદણના કનેસરા ગામના પપ વર્ષના પ્રૌઢ અને ગીરગઢડા તાલુકાના પ૭ વર્ષના મહિલાનું પણ સ્વાઇન ફલુથી મોત નિપજયું હતું. ફકત બે માસમાં સ્વાઇન ફલુમાં મૃત્યુઆંક પપ સુધી પહોંચી રહ્યો છે. જયારે ગઇકાલે વધુ સાત દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં જસદણના ૪૧ વર્ષીય મહીલા રાજકોટ પંચવટી હોલ પાસે રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ, રાજકોટ મોચીનગરમાં રહેતા ૬ર વર્ષીય વૃઘ્ધા, અમરેલીના ખાકબાઇ ગામના ૪૦ વર્ષીય મહીલા, કેશોદના સરોડ ગામના ૪૩ વર્ષીય આધેડ, ભેંસાણ ના રાણપુર ગામના ૪૨ વર્ષીય આધેડ અને ગીર સોમનાથના કાંધી ગામના ૫૭ વર્ષીય પ્રૌઢાના રિપોર્ટ સ્વાઇન ફલુ પોઝીટીવ આવતા રાજકોટની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ૨૦૧૯ વર્ષની શરુઆતથી અત્યાર સુધી રાજકોટ, રાજકોટ રૂરલ અને આસપાસના જીલ્લાઓમાં કુલ ૨૫૬ કેસો નોંધાયા છે. જયારે મૃત્યુઆંક પપ સુધી પહોંચી રહ્યો છે. વધુ ૪૯ દર્દીઓ રાજકોટની જુદી જુદી હોસ્પિટલોમાં સ્વાઇન ફલુ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.