- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે જિલ્લામાં અનેરો ઉત્સાહ
- ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય: ઈલેક્ટ્રીક રોશનીથી પાંચ લાખ દિવડાની રોશની થશે
- મહા આરતીમાં ગુગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાશે
Dwarka News
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી આગામી તા. 21 ફેબ્રુઆરીથી તા. 23 ફેબ્રુઆરી સુધી સાંજે 07:00 કલાકે ગોમતી ઘાટ ખાતે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઈલેક્ટ્રીક રોશનીથી 5 લાખ દિવડાની રોશની કરવામાં આવશે. આ મહા આરતીમાં ગૂગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. તા. 21 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય પબુભા માણેક, તા. 22 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અને તા. 23 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિતના આ મહા આરતીમાં જોડાશે.
જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યક્રમને લઈને નિયુક્ત અધિક કલેકટર એમ કે જોષી, પ્રાંત અધિકારીશ્રી ભગોરા તેમજ ગુગળી બ્રાહ્મણના અગ્રણીઓના સંકલનથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સિગ્નેચર બ્રીજ પર ગેલેરી, સોલાર પેનલ, ગીતાજીના શ્લોક, મોર પંખ સહિતના આકર્ષણ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે. આ તકે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે.
આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. વધુમાં કલેક્ટરએ જણાવ્યુ હતુ કે, રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી શ્રીમદ્દ ભાગવત ગીતાજીનાં શ્લોકો દર્શાવવામાં આવ્યા છે. જે આકર્ષણ કેન્દ્ર વધારશે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 ડ્ઢ 12 મીટરના 4 – મોરપંખ આકારવામાં આવ્યા છે. આ બ્રિજની બંને તરફની ફુટપાથ પર 1-મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. બ્રીજ પર 12 જેટલા લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે.