રાજ્યમાં PMJAY અંતર્ગત ત્રણ દિવસ ડાયાલીસીસ બંધ
આજથી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલીસીસ બંધ કરાવાયું છે. આગામી ત્રણ દિવસ એટલે કે, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસ નહીં કરવામાં આવે. ગઈકાલે નેફ્રોલોજી એસોસિએશન સાથે આરોગ્ય વિભાગની બેઠક નિષ્ફળ રહી છે. PMJAY અંતર્ગત ડાયાલીસીસ માટેની રકમ 2 હજારથી ઘટાડીને 1650 રૂપિયા કરી દેવાતા ડોક્ટરોમાં રોષ વ્યાપી ગયો છે.
ત્યારે આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિએશન કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવશે. નેફ્રોલોજી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, PMJAY અંતર્ગત 1.27 લાખ દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે. વર્ષે 1.03 કરોડ ડાયાલીસીસ રાજ્યમાં PMJAY અંતર્ગત થાય છે, જેમાંથી 78 ટકા ખાનગી હોસ્પિટલમાં થઈ રહ્યા છે. ડાયાલીસીસ માટેના દરમાં 8 વર્ષથી વધારો કરાયો નથી, પરંતુ અચાનક 17 ટકાનો ઘટાડો થતા નારાજગી છે.
PMJAY અંતર્ગત ડાયાલીસીસ કરતા ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલમાં હડતાળથી સરકાર ચિંતિત બની છે. અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલના નિયામક દ્વારા રાજ્યના તમામ ડાયાલીસીસ ટેક્નિશિયનને પત્ર લખી સતર્ક કરાયા છે. ગુજરાતના નેફ્રોલોજીસ્ટ ડોકટરોની ત્રણ દિવસીય હડતાળ હોઈ અવિરત ડાયાલીસીસ ચાલુ રાખવા સૂચના અપાઈ છે. તો હડતાળને કારણે દર્દીઓને સમસ્યા ના થાય તે ઉદેશથી જે પણ દર્દીઓ આવે તેમનું ડાયાલીસીસ કરી આપવા કહેવામાં આવ્યું છે.
દર્દીઓને તકલીફ ના થાય તેની જવાબદારી લઈ કામગીરી કરવા સૂચિત કરાયા છે. જો હડતાળ લંબાય તો જે તે સમયગાળા સુધી દર્દીઓની સેવામાં કટિબદ્ધ રહેવા આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, નેફ્રોલોજી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ સુધી PMJAY અંતર્ગત ડાયાલીસીસ ના કરવા એલાન આપી હડતાળ કરાઈ છે. PMJAY ડાયાલીસીસ અંતર્ગત મળતા 2000 રૂપિયાને બદલે ચાર્જ 1650 કરાતા નેફ્રોલોજી એસોસિએશન નારાજ થયું છે.