30 એકરથી વધુ જગ્યામાં વિશાળ ડોમ તથા સંત-મહંતો ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરાઇ: ત્રિ-દિવસીય યજ્ઞ સમારંભમાં વિશાળ સંત સંમેલન યોજાશે
રાજકોટમાં કોઠારિયા ગામ ખાતે આવેલા ભુલેશ્ર્વર મહાદેવ ખાતે 30મી નવેમ્બરથી ભવ્યાતિભવ્ય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજવામાં આવેલ છે. ત્રિદિવસીય યજ્ઞ સમારંભ નિમિત્તે વિશાળ સંત સંમેલન પણ યોજાશે.જીયુડી હનુમાનજી મંદિર જેતપુરના મહામંડલેશ્વર 1008 મહંત રામદયાલદાસજી બાપુના અધ્યક્ષસ્થાને તથા 1008 મહંત રામરૂપદાસજી (ભક્ત ચેલૈયાધામ, નવાગામ બિલખા)ના સાંનિધ્યમાં આ 108 કુંડી હોમાત્મક મહાયજ્ઞનો પ્રારંભ થશે.29મી નવેમ્બરને મંગળવારના રોજ સવારે 8 વાગ્યે કળશયાત્રા વાજતે ગાજતે કોઠારિયા ગામમાં ઉમળકાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રોજ સવારે 8 થી 12 તથા બપોરે 3 થી 6 યજ્ઞાદિ સહિતની વિધિઓ થશે.આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ સવારે 8.30 કલાકે સંતોના સામૈયા થશે. ધર્મસભા દરરોજ સવારે 9 થી 12 તથા બપોરે 3 થી 6 યોજાશે. દરરોજ સાંજે 6થી 8 ગરબા તેમજ સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. આ અવસરે બાળકો માટે વિશાળ આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા ફજર ફાળકા, ટોરાટોરા સહિત ચકડોળ પણ છે. ઉપરાંત અહીં રોજ બે લાખ માણસો સવાર, બપોર, સાંજ ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ રસોડું પણ આયોજન કરવામાં આવેલ છે.