વઢવાણ ગણપતિ ફાટસર રાજકોટ બાયપાસરોડ રવિપાર્કમાં રહેતા ઇન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મીના બંધ મકાનના નકુચા તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. જેમાં રોકડ રકમ, સોનાના ઘરેણા સહિત રૂ. 98 હજારનો મુદ્દામાલ ઉઠાવી હતા. જ્યારે કર્મચારી ખાતાકીય પરીક્ષા આપવા અમદાવાદ ગયા હોવાનું અને આ વિસ્તારમાં ત્રણ મકાનોમાં ચોરી થયાની ઘટના બહાર આવી હતી. વઢવાણ ગણપતિ ફાટસર રાજકોટ બાયપાસ રોડ રવીપાર્કમાં રહેતા અને રાજેશભાઈ દલાભાઈ ચાવડા સુરેન્દ્રનગર ઇન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે.
ત્યારે રાજેશભાઈને ખાતાકીય પરીક્ષા હોવાથી તેમના પત્ની સાથે મકાનને તાળા મારીને અમદાવાદ ગયા હતા. પરંતુ રવિવારે રાજેશભાઈ ઘરે પરત ફરતા અને મકાનના તાળા ખોલવા જતા નકુચો હાથમાં આવતા અંચબામાં પડી ગયા હતા. કંઇક અજુગતુ બન્યુ હોવાની સાથે મકાનના દરવાજા પણ ખૂલા હોવાથી ચોરીની ઘટના બની હોવાનું ધ્યાને આવ્યુ હતું.
આથી વઢવાણ પોલીસ મથકે રાજેશભાઈ કોઇ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ મકાનના તાળાતોડી રૂમમાં રહેલા કબાટમાંથી રૂ. 42 હજારની રોકડ, સોનાની બે વીંટી, બે જોટી બુટી, ચૂક સહિત રૂ. 56 હજાર મળી કુલ રૂ. 98,000નો મુદામાલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય બે મકાનોના પણ તાળા તોડીને ચોરીનો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યુ હતું.જિલ્લામાં દિવસે દિવસે ચોરીના બનાવો વધવા પામ્યા છે. આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરી ચોરોને ઝડપી લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.