રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદે જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે આજે રાજ્યના 30 તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ ઉપલેટામાં ત્રણ ચુડા, ખાંભા અને જામકંડોરણામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ વહેલી સવારથી સુરતના ચોરાશીમાં ત્રણ ઈંચ અને ગીર-સોમનાથના તાલાલામાં એક ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં મેઘમહેર: આજે વહેલી સવારથી સુરતના ચોરાશીમાં ત્રણ ઈંચ અને ગીર-સોમનાથના તાલાલામાં એક ઈંચ વરસાદ
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયોમાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલે આગાહી કરી છે.
આ વિસ્તારોમાં આજે પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.