સંસ્થાના નિયમ અનુકુળ ન હોવાથી ભાગી ગયાની શંકા: નિરાશ્રીત બાળકોના અપહરણનો નોંધાતો ગુનો
ગોંડલ રોડ પર આવેલી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ કુમાર છાત્રાયલમાંથી ગઇકાલે ત્રણ માસુમ બાળકો ભેદી રીતે લાપતા બનતા ત્રણેય બાળકોના અપહરણ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ત્રણેય બાળકોને સંસ્થાના નિયમ અનુકુળ ન હોવાના કારણે ભાગી ગયાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની કુમાર છાત્રાલયમાં રહેતા ગૌતમ દિલીપભાઇ પટેલ (ઉ.વ.૧૭), દિપક રતનબહાદુર બાદી (ઉ.વ.૧૩) અને આદિત રતનબહાદુર બાદી ગઇકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ ભેદી રીતે લાપતા બન્યા હતા.
સંસ્થાના ગૃહપતિ સુરેશભાઇ રાણાભાઇ ખાંટે ત્રણેય બાળકોની શોધખોળ કર્યા બાદ માલવીયાનર પોલીસ મથકમાં ત્રણેય બાળકોનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.એમ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
ગૌતમ નાની ઉમરથી જ રખડુ જીવન જીવતો અને તેને જુદી જુદી સંસ્થામાં રખાયા બાદ ગૃહપતિની નજર ચુકવી ભાગી જવાની ટેવવાળો હોવાનું અને એકાદ માસ પહેલાં લખનૌઉથી રાજકોટની સંસ્થામાં મોકલાયો હોવાનું તેમજ તે રાજકોટના પોપટપરા વિસ્તારનો હોવાનું ગૃહપતિ સુરેશભાઇ રાઠોડે જણાવ્યું છે.
જ્યારે મુળ નેપાળના અને જૂનાગઢ ખાતેથી સાતેક માસ પહેલાં આવેલા દિપક રતનબહાદુર અને તેનો ભાઇ આદિત રતનબહાદુર આવ્યા હતા. બંને ભાઇના માતા-પિતાના ગેસનો બાટલો ફાટવાના કારણે ગંભીર રીતે દાઝતા બંનેના મોત નીપજતા બંને બાળકો અનાથ બનતા અનાથ આશ્રમમાં મુકવામાં આવ્યાનું જણાવ્યું છે.
કાઠીયાવાડ બાલાશ્રમમાં સંસ્થા ૧૧૪ વર્ષ જુની અને તેમાં ૭૮ અનાથ બાળકો રહી અભ્યાસ કરતા હોવાનું ગૃહપતિ સુરેશભાઇ રાઠોડે જણાવી ત્રણેય બાળકોને સંસ્થાના નિયમ અનુકુળ ન હોવાના કારણે ભાગી ગયા હોવાની શંકા વ્યક્ત કરી છે.