વાંકાનેરના નવા વઘાસીયાનો ભરવાડ શખ્સ હથિયાર વેચવા આવ્યો’તો
શહેરના માકેર્ટીગ યાર્ડ સામે આવેલા બગીચામાં દેશી બનાવટની પિસ્તોલ અને તમંચા સાથે ત્રણ શખ્સો બેઠા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ત્રણ પિસ્તોલ, એક તમંચો અને ૨૦ કારતુસ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામનો જાલા ભરવાડ શખ્સ પિસ્તોલ અને તમંચા વેચવા આવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને ચેતનસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે માકેર્ટીગ યાર્ડ સામે બગીચામાં દરોડો પાડી હતો.
પોલીસે નવા વઘાસીયા ગામના જાલા સેલા બાંભવા, મવડી વિસ્તાના શ્રીનાથજી સોસાયટીના ભલા કાળા મુંધવા અને મોરબી તાલુકાના બહાદુરગઢના કાનજી વાઘા ચાવડા નામના આહિર શખ્સને રૂ.૩૮ હજારની કિંમતની ત્રણ દેશી બનાવટની પિસ્તોલ, એક તમંચો અને ૨૦ કારતુસ સાથે ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન જાલા બાંભવા અગાઉ મોરબીમાં હથિયારના ગુનામાં ઝડપાયો છે. ભલા મુંધવા જમીન કૌભાંડ અને જુગારના ગુનામાં ઝડપાયેલો છે અને બહાદુરગઢના કાનજી ચાવડા હત્યાના ગુનામાં ઝડપાયા હોવાનું બહાર આવ્યું છે. દસેક માસ પહેલાં બહાદુરગઢ ગામે હકા બચુ ચાવડાની જમીનની તકરારના કારણે કાનજી ચાવડાએ હત્યા કર્યા બાદ તાજેતરમાં જ જામીન પર છુટયો હોવાની બહાર આવ્યું છે. પિસ્તોલ અને તમંચા કયાંથી લાવ્યા તે અંગેની પૂછપરછ માટે ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.