ગોંડલ ગ્રામ્ય-શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુ સાથે માથાભારે શખ્સો સામે પોલીસે ઘોસ બોલાવી કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગુંદાળા ચોકડી પાસે કોમ્પ્લેક્ષના વેપારીને કનડગત કરતા નામચીન રામા ભરવાડે વ્યાજની પઠાણી ઉઘરાણી, મૂર્તિની તસ્કરી અને વાહનના પાર્કિંગના મુદે મારમાર્યાની ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસે બે દિવસમાં ત્રણ ગુના નોંધી રામા ભરવાડને ઝડપી લઈ તેની શાન ઠેકાણે લાવી છે. શહેરીજનોએ રાહતના શ્ર્વાસ લીધો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના ગ્રીનસીટી ખીમોરી તળાવ પાસે રહેતા મયુરભાઈ સંજયભાઈ રાવરાણી નામના હેરસલુનના ધંધાર્થીને કાર દૂર લેવાનું કહેતા ગૌતમ, જનક અને રામો ભરવાડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.
વ્યાજની પઠાણી ઉઘરાણી, મૂર્તિની તસ્કરી અને કાર પાર્કિંગ મુદે દાદાગીરી કરતા શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
જયારે ગોંડલ યાર્ડની પાછળ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતો અજય સંજયગીરી ગૌસ્વામી નામના વેપારીએ ગોંડલના ડૈયા ગામે રહેતા રમેશ ઉર્ફે રામો હરી ગમારા સામે રૂ.45 હજારની કિંમતની બે મૂર્તિ ચોરી અંગેની બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ગોંડલના ગ્રીનપાર્કમાં રહેતા હંસરાજભાઈ રૈયાણી નામના પુત્રે રૂ.1 લાખ વ્યાજે રકમ લીધી હતી જે પેટે રૂ.5 લાખ ચૂકવ્યા છતા નામચીન રામા ભરવાડ, ગૌતમ અને એક અજાણ્યા શખ્સે વધુ 18 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.
સીટી પોલીસ મથકના સ્ટાફે નામચીન રામા ભરવાડ સહિત ત્રણેયની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે. ગોંડલવાસીઓએ પોલીસની કામગીરીને બીરદાવી છે.
ગોંડલની પ્રજાની કનડગત કરતા તત્વોને છોડીશ નહી: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા
ગુંદાળા ચોકડી પાસેના કોમ્પ્લેક્ષમાં દબાણ કરી દાદાગીરી કરતા શખ્સોને સબક શિખડાવાયો
ગોંડલ ના ગુંદાળા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્ષ માં દાદાગીરી દાખવતા તત્વોને આગવી શૈલીમા સબક અપાતા કોમ્પ્લેક્ષ ના વેપારીઓ એ રાહત નો દમ લીધો હતો.પ્રજા ને કનડતા કોઈ લુખ્ખા તત્વોને છોડીશ નહી તેવો હુંકાર પુર્વ ધારાસભ્ય એ કર્યો હતો.
ગોંડલ માં ખુણે ખાચરે શરુ થયેલી લુખ્ખાગીરી સામે ધારાસભ્ય નાં પરીવારે લાલ આંખ કરી આકરા તેવર દાખવ્યા છે.
બે દિવસ પહેલા ગુંદાળા ચોકડી પર આવેલા સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષ માં દબાણ કરી દાદાગીરી તથા વ્યાજકંવાદ કરી રહેલા કેટલાક શખ્સો સામે વેપારીઓ એ ધારાસભ્ય કાર્યાલય મા રજુઆત કરતા ધારાસભ્ય ના પુત્ર તથા યુવા અગ્રણી ગણેશભાઈ એ દોડી જઇ આ તત્વો ને આગવી શૈલી મા સબક આપી શાન ઠેકાણે લાવી હતી.બાદ મા નગરપાલિકા દ્વારા ત્વરિત ડીમોલીશન હાથ ધરી દબાણો દુર કરાયા હતા.
દરમ્યાન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ગુંદાળા ચોકડી પર ના કોમ્પ્લેક્ષ ની આજે મુલાકાત લઈ કોઇ ચમરબંધી થી નહી ડરવા વેપારીઓ ને ધરપત આપી હતી.વધુ મા વ્યાજખોરી કે દાદાગીરી સામે કોઈ જાત નો ડર રાખ્યા વગર તુરંત પોલીસ ને જાણ કરવાનુ કહી ગોંડલ માં પ્રજાને પિડતા અસામાજીક તત્વો કે કોઈ પણ ની લુખ્ખાગીરી ચલાવી લેવાશે નહી તેવો હુંકાર કરી વેપારીઓની વ્હારે આવ્યા છે.