- શરાબ, કાર, મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.52 લાખનો મુદ્દામાલ કબ્જે
થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂનો જથ્થો ઘુસાડવાના બુટલેગરોના બદ ઈરાદા પોલીસ નાકામ કરી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસે બે દરોડા પાડી શરાબની કુલ 428 બોટલ સાથે ભાવિ વકીલ સહીત ત્રણ બુટલેગરોને કુલ રૂ. 3,52,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
કેશોદ પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ બે દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કેશોદ પોલીસે કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 92 કિંમત રૂપિયા 9,200 સાથે વિશાલ માલદેભાઈ દાસા અને લઘુ ખીમાભાઈ કોડીયાતર નામના બે બુટલગરોને ઝડપી પાડ્યા છે. તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીને કેશોદના આંબાવાડી રચના એપાર્ટમેન્ટના પાર્કિગમાં રાખેલી કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 327, મોબાઈલ ફોન,કાર મળી 3,43,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં દારૂ-જુગારની બદ્દી ડામવા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદ પોલીસ દ્વારા બે દારૂના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં વિશાલ માલદે દાસા અને લખુ ખીમાભાઈ કોડીયાતરના કબજામાંથી દારૂ ઝડપી આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને બુટલેગર પાસેથી 92 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂ.9200 ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ઉત્તમ વિજય ગોસ્વામી નામના સપ્લાયર નામ ખુલ્યું છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજા દારૂના ગુનામાં કેશોદના આંબાવાડી વિસ્તારમાં એક કારની સીટમાં ચોરખાનું બનાવી બુટલેગરોએ દારૂ સંતાડ્યો હતો. જે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 27 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો,મોબાઈલ ફોન,કાર મળી કુલ 3,43,600 નો મુદ્દામાલ સાથે ઉત્સવપરી વિજયપરી ગોસ્વામી ઉંમર 26 વર્ષ બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પ્રફુલ લલિત તન્ના નામના સપ્લાયરનું નામ પણ ખુલતા પોલીસે સપ્લાયરને પકડવા તજવીજ હાથ ધરી છે. કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઉત્સવ ગોસ્વામી અગાઉ પણ બે વખત દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. પકડાયેલ આરોપી ઉત્સવપરી ગોસ્વામી લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.