રાજ્ય સરકાર દ્વારા સોલાર રૂફ ટોપ યોજનામાં ૪૦ ટકાની સબસીડી અપાય છે

વર્તમાન સમયમાં મોંધવારીને લીધે લોકોને ઘર ખર્ચ, બાળકોના શિક્ષણના ખર્ચ તેમજ અન્ય ખર્ચની જવાબદારી રહેતી હોય છે એવામાં વીજબીલ પણ મસમોટું આવતું હોય છે. એવા સંજોગોમાં સૂર્ય આધારિત વીજળી વાપરીએ તો આપણે વીજબીલની ચિંતા નીવારી શકીએ. અને વધારામાં સૂર્ય ઉર્જાથી વપરાશ ઉપરાંતની બચતી વીજળી આપણે પી જી વી સી એલને વેચીને કમાણી કરી શકીએ છીએ. તેવી એક યોજના ગુજરાત સરકારે અમલી બનાવી છે. જેનું નામ છે – સૂર્ય રૂફ ટોપ યોજના. આ યોજનાનો લાભાર્થી અજય માલળયા જણાવે છે કે, સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ મેં લીધો છે. મને આ યોજના થકી ઘણો બધો આર્થિક ફાયદો મળ્યો છે. સરકારના આ પ્રોત્સાહનકારી પગલાનો લાભ દરેક નાગરિકે લેવો જોઈએ.

જસદણ પી.જી.વી.સી.એલ ડીવિઝનના નાયબ ઈજનેર એ.ડી.સૈયદના જણાવ્યા અનુસાર જસદણ તાલુકામાં કુલ ૬૩ લોકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. જેમાં જસદણમાં ૪૨,, આટકોટમાં ૭,સરધારમાં ૧,ત્રંબામાં ૪, વિંછીયામાં ૯નો સમાવેશ થાય છે. અને હજુ પણ સોલાર રૂફ ટોપ યોજનામાં લાભ લેવા માટે ૨૭૦ લાભાર્થીઓની અરજી અમારી પાસે આવેલ છે. જેમાં જસદણમાં ૧૬૧, આટકોટ ૪૯, સરધારના ૨૦, વિંછીયાના ૧૭, ત્રંબાના ૨૩ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ સંખ્યા પરથી જોઈ શકાય છે કે સૌથી રૂફ ટોપ યોજનાનો લાભ જસદણવાસી લઈ ચૂક્યા છે.

7537d2f3 17

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા રહેણાક શ્રેણીના વીજગ્રાહકો, સૌર ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરે અને જરૂર પૂરતી વીજળી વાપરી, વધારાની વીજળી વેચી વીજ બીલમાં રાહત તેમજ વધારાની આવક મેળવેએ શુભ આશાયથી સૂર્ય ગુજરાત (સુર્ય ઊર્જા રૂફટોપ યોજના)નો આરંભ થયેલ છે. આ યોજના હેઠળ રહેણાંક હેતુના વીજગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કિલોવોટની ક્ષમતા સુધી ૪૦ ટકા તથા ૩થી વધુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી ૨૦ ટકાની સબસીડી મળશે. ગ્રુપ હાઉસીંગ સોસાયટી/ રેસીડેન્શિયલ વેલ્ફેર એસોસિએશનની મજિયારી સુવિધાઓ જેવી કે સોસાયટીની લાઈટ, સોસાયટીનું વોટર વર્કસ, લીફ્ટ, જીમ, સ્વીમીંગ પુલ, બગીચો વગેરેના વીજજોડાણો માટે ૫૦૦ કિલોવોટની મહત્તમ મર્યાદામાં ૧૦ કિલોવોટ પ્રતિ ઘર લેખે સોલાર સિસ્ટમની કુલ કિંમત પર ૨૦ ટકા સબસીડી મળશે.

આ સ્કીમનો લાભ લેવા માટે ૭૬૬૪૪૯૯૧૧ પર મીસ્કોલ કરવાનો રહેશે. વધુ જાણકારી માટે https//suryagujarat.guvnl. com પર વીઝિટ કરવાની રહેશે. સોલાર રૂફટોપ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષમાં વસુલ થઈ જતો હોય છે. પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફતમાં વાપરી શકીએ. સરકાર દ્વારા માન્ય એજન્સીને નક્કી કરેલા દરે સોલાર સિસ્ટમ ફીટ કરી આપશે. કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને સરકારના પ્રોત્સાહનકારી પગલાનો લાભ લઈને સ્વના ફાયદા માટે અસરકારક પગલું ઉઠવીએ અને આવકના નવા સ્ત્રોતનું સર્જન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.