જામનગરના બેડેશ્વરમાં આવેલા દરબારપાડામાં રહેતા એક પ્રૌઢે પોતાના ઘર પાસે રાત્રે મંડળી જમાવતા શખ્સોને ત્યાં બેસવાની ના પાડતા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે એક મહિલા તથા તેણીના પરિવારને સમાધાન માટે પૈસા આપવાનું કહી ચાર શખ્સોએ મકાન પડાવી લેવાની ધમકી આપ્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.
જામનગરના બેડેશ્વર-વાલસુરા રોડ પર આવેલી બાપા સિતારામ મઢુલી નજીક દરબારપાડામાં રહેતા દિલીપસિંહ વનાભા જાડેજાએ રોજ રાત્રે પોતાના ઘર પાસે મંડળી જમાવીને બેસતા ભૂપતસિંહ જેઠીજી પરમાર, જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ પરમાર, અજીતસિંહ લખુભા રાઠોડને ત્યાં નહીં બેસવા માટે કહેતા બોલાચાલી થઈ હતી ત્યાર પછી ઉશ્કેરાયેલા ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ગાળો ભાંડી પાઈપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને જીતેન્દ્રસિંહએ દિલીપસિંહનો કાન ખેંચી ઈજા પહોંચાડી હતી. ત્રણેય શખ્સો સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળીવાડમાં રહેતા આશાબેન મુકેશભાઈ નંદાના પુત્ર વિશાલ સામે થોડા મહિનાઓ પહેલા ત્યાં જ રહેતી એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તે ગુન્હામાં વિશાલની ધરપકડ થયા પછી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસમાં વિશાલના જામીન મંજૂર થયા હતા. ત્યાર પછી ઉપરોક્ત કેસમાં સમાધાન કરવા માટે કરાતા દબાણ વચ્ચે ગઈ તા.૧૮ની સાંજે અશોક છોટાલાલ વશીયર ઉર્ફે મુન્નો, જીતેન દિનેશભાઈ હરવરા ઉર્ફે જેડી, રાજેશ છોટાલાલ વશિયર ઉર્ફે ભોલો તથા પિયુષ રાજેશભાઈ વશિયરે સમાધાન માટે રૃા.પ લાખની માગણી કરી આશાબેન તથા ઘરના અન્ય વ્યક્તિઓને ગાળો ભાંડી તેઓનું મકાન પડાવી લેવાની ધમકી આપતા આશાબેને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૫, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.