જામનગરના રણજીતસાગર રોડ ઉપરથી પોલીસે એક શખ્સને પિસ્તોલ તથા કારતુસ સાથે પકડી પાડયો છે. જ્યારે એલસીબીએ બે શખ્સોને બે પિસ્તોલ અને બાર કારતુસ સાથે ઝડપી લઈ સપ્લાયરનું નામ ઓક્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર શનિવારે રાત્રે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કો. શિવભદ્રસિંહ તથા ફિરોઝ ખફીને બાતમી મડી હતી કે ત્યાંથી એક શખ્સ ગેરકાયદેસરની રિવોલ્વર સાથે પસાર થઈ રહ્યો છે.
આ બાતમીથી પી.આઈ. કે.કે. બુવળને વાકેફ કરવામાં આવ્યા પછી પી.એસ.આઈ. જે.સી. ગોહીલના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ વોચમાં ગોઠવાયેલો હતો. તે દરમ્યાન ઘાંચીના કબ્રસ્તાન પાસેની સુમરા ચાલીમાં રહેતો સદામ બસીર ખફી નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને રોકી પોલીસે તલાસી લીધી હતી.
આ શખ્સના કબ્જામાંથી બત્રીબોરની પિસ્તોલ તથા એક જીવંત કારતુસ મળી આવ્યો હતો. પોલીસે રૃપિયા પચાસ હજારની પિસ્તોલ તેમજ કારતુસ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. આશખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. અને આ હથીયાર ક્યાંથી આવ્યું તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. કાર્યવાહીમાં સ્ટાફના એસ.ડી. ચુડાસમા, એન.કે. ઝાલા, એમ. જે. રાણા, યોગરાજસિંહ, ગૌતમ મકવાણા, રામદેવસિંહ જોરૃભા, આતફાત સફીયા સાથે રહ્યાં હતાં.
જામનગરના દરબારગઢ થી બર્ધનચોક વિસ્તારમાં શનિવારે એલ.સી.બી. દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ત્યારે ત્યાંથી જઈ રહેલા ટીટોડી વાડી વાળા સલીમ આમદ ખફીની શંકાસ્પદ હીલચાલથી વહેમાયેલા એલસીબીના કાફલાએ તેને રોકી તલાસી લેતાં તેના કબ્જામાંથી દેશી બનાવટની રૃપિયા અડધા લાખની પિસ્તોલ મળી આવી હતી. એલસીબીના જયુભા ઝાલાએ સલીમની અટકાયત કરી પુછપરછ કરતાં તેને આ હથીયાર મોરબીના મોહીન ઉર્ફે મયુદીન યુસુબ ચાકી પાસેથી લીધું હોવાની કબુલાત આપી છે. સલીમ સામે સિટી એ ડિવિઝનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
નગરના કાલાવડનાકા બહાર આવેલા નુરી ચોકડી વિસતારમાંથી શનિવારે એલસીબીએ શૈલેસ દેવદાન ડાંગર નામના મુળ હળવદના અને હાલમાં મયુરનગરમાં રહેતાં શખ્સને પકડી તેના કબ્જામાંથી પણ દેશી બનાવટની પિસ્તોલ અને બાર કારતુસ કબ્જે કર્યા છે. આ શખ્સે પણ ઉપરોક્ત હથીયાર મોરબીના મયુદીન પાસેથી લીધાની કબુલાત આપી છે. હે.કો. દિલીપ તલાવડીયાએ શૈલેષ સામે ગુન્હો દાખ કરાવ્યો છે.