પોલીસ હોવાની ખોટી ઓળખ આપી બળજબરીથી રૂ. બે હજાર પડાવી રૂ. 1.20 લાખની માંગણી કર્યાનો નોંધાયો ગુનો

અબતક, દર્શન જોશી

જુનાગઢ

ભેંસાણ તાલુકાના ઢોળવા ગામના યુવાનને રાજકોટના ભગવતીપરાની યુવતિ સહિત ત્રણે હની ટ્રેપમાં ફસાવી બળજબરીથી રૂ. બે હજાર પડાવી રૂ. 1.20 લાખ નહી આપે તો બળાત્કારના ગુનામાં ફીટ કરવાની ધમકી દેતા પોલીસે ત્રણેની ધરપકડ કરી છે.

રાજકોટની એક યુવતી સહિત 3 શખ્સો સામે ભેસાણ પોલીસમાં હની ટ્રેપ અંગેની એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ સ્ત્રી પાત્રને આગળ ધરી, પૈસા પડાવી લેવા માટેનુ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચનાર આરોપી ત્રિપુટીને ઝબ્બે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ભગવતીપરા ખાતે રહેતી જીન્નત ઉર્ફે બીબી અલ્લારખાભાઇ એ ભેસાણના ઢોળવા ગામે રહેતા ભાવેશભાઇ રામજીભાઇ બોરડના મિત્ર સુરેશભાઇ સાથે ફોનમાં અવાર નવાર વાત કરતી હોય અને કહેલ કે તમારે મજા કરવી હોય તો મને તેડી જાવ. તેમ કહેતા ભાવેશભાઇ રામજીભાઇ બોરડ તેને વિશળ હડમતીયા ગામના પાટીએથી તેડીને આવતો હોય તેવામાં  લાખાપાદરનો અરવિંદ આંબાભાઇ ગજેરા તથા નાની પરબડીનો ભરત ડાયાભાઇ પારઘી અલગ અલગ મોટર સાયકલમાં ત્યાં આવી ચડ્યા હતા. અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી, બળાત્કારના ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી, ભાવેશભાઇ રામજીભાઇ બોરડ પાસેથી બળજબરીથી રૂ. 2000 કઢાવી લઇ, તેમજ વધુ પૈસા માટે ભાવેશભાઇ પાસે તેના મિત્ર સાહેદ સુરેશભાઇને ફોન કરાવીી, તેની પાસેથી રૂ. 1,20,000 ની માંગણી કરીી, અને સદરહુ પૈસા લેવા માટે ભાવેશભાઇને બળજબરીથી મોટર સાયકલમાં બેસાડી, અપહરણ કરી, જુનાગઢ ખાતે લઇ જઇ, ત્રણેય આરોપીઓએ પૈસા પડાવી લેવા માટેનુ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી, ગુન્હામાં એક બીજાની મદદગારી કરી હોવાની હની ટ્રેપનો ભોગ બનેલ યુવક ભાવેશભાઇ રામજીભાઇ બોરડ એ ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભેસાણ પી.એસ.આઈ.  કે.એમ.ગઢવી એ આ ફરિયાદ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી, આરોપી ત્રિપુટીની ધરપકડ કરી અન્ય કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.