મિત્રોએ પત્નીની મદદથી ફસાવ્યો: પોલીસની ખોટી ઓળખ આપી એટીએમ પડાવી રૂપિયા 91 હજાર ઉપાડી લીધા
અબતક, રાજકોટ
લીંબડી પંથકના યુવાનને રાજકોટ રહેતા મિત્રએ તેની પત્નીએ મદદથી પોલીસની ખોટી ઓળખ આપી યુવાનને હની ટ્રેપમાં ફસાવી પતિ સહિતનાઓ સાથે મળી રૂ.91 હજારની મતા પડાવતા તેને પોલીસમાં જાણ કરતા પોલીસે ત્રણની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સો શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ લીંબડીના ખંભલાવ ગામે રહેતા અને મેતાજી તરીકે નોકરી કરતા ભરત સવજીભાઇ કાલિયા નામના યુવાને રાજકોટ રહેતા મિત્ર સંદીપ ગોપીયાણી, તેની પત્ની નીકિતા ઉર્ફે પૂજા, જાનકી, રાહુલ નિમાવત, જીતુદાન અને જયદીપ સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ તેને જણાવ્યું હતું કે, ગત તા.17ના રોજ મિત્ર સંદીપની પત્ની નીકિતાનો ફોન આવ્યો કે સંદીપ બહારગામ ગયા છે, તો આવો રાતે રાજકોટ. જેથી પોતે કાર લઈ રાજકોટ જવા નીકળ્યો હતો. પોતે રાતે સાડા નવ વાગ્યે પોતે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા નીકિતા અને જાનકી ઊભા હતા. આપણે ચોટીલા હોટલમાં રાત રોકાશુંની વાત કરી બંને કારમાં બેઠી હતી. દરમિયાન બાથરૂમ જવાની વાત કરી બેટીના પુલ નજીક કારને ઊભી રખાવી હતી.આ સમયે એક કાર ત્યાં આવી ઊભી રહી હતી. તેમાંથી ત્રણ શખ્સ નીચે ઉતરી એક શખ્સ મારી કારમાં આવી બેસી ગયો હતો અને આ મારી બહેન જાનકી છે. તું ક્યાં લઇને જાય છે તેમ કહી તમાચા ઝીંકી દીધા હતા.
બાદમાં તે રાહુલ નિમાવત હોવાનું અને તેની સાથે બે વ્યક્તિ છે તે પોલીસ છે. કહી તેની કારમાં બેસાડી દીધો હતો. બાદમાં પોતાની કાર રાહુલે ચલાવી બંને કાર રાજકોટ તરફ લઇ ગયા હતા. આ સમયે પોલીસની ઓળખ આપનાર જીતુદાન અને બીજો જયદીપ હોવાનું કહ્યું હતું. અને જો પૂરું કરવું હોય તો દોઢ લાખ આપવાનું કહ્યું હતું. કાર ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા ત્યાં સંદીપ ઊભો હોય તે પણ કારમાં બેસી ગયો હતો અને તેં મારી પત્ની સાથે આવું કર્યું, આ લોકો કહે તે રૂપિયા આપીને પૂરું કરી દે. બાદમાં ચાલુ કારે રૂ.સાડા આઠ હજારની રોકડ સાથેનું પાકીટ, બે મોબાઇલ પડાવી લીધા હતા.
બાદ આરોપીઓએ યુવાનનું એટીએમ કાર્ડ લઇ તેના પાસવર્ડ મેળવી લઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા. ત્યાર બાદ મોબાઇલ પરત માગતાં કાલે મોબાઇલ મળી જશેનું કહી કુવાડવા સુધી મૂકી પોતાને કાર આપી દીધી હતી. બીજે દિવસે ખબર પડી કે તે લોકોએ એટીએમ દ્વારા ખાતામાંથી 38 હજાર કાઢી લીધા છે. દરમિયાન મોબાઇલ પરત આપવા નહિ આવતા અંતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પીઆઇ જી.એમ.હડિયાએ ગુનો નોંધી તપાસ કરી એક મહિલા અને બે પુરુષ આરોપીને સકંજામાં લઇ અન્ય આરોપીઓની સોધખોળ હાથધરી છે.