વિછીંયા નજીક આવેલા ગુંદાળા ગામના યુવાનનો ટ્રક વિછીંયામાં વીજ થાંભલા સાથે અથડાતા થયેલી બોલાચાલીના કારણે મેડિકલ સ્ટોરના સંચાલક ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબીએ ત્રણેય શખ્સોની છાસીયા ગામેથી ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામે રહેતા પ્રકાશભાઇ બુધાભાઇ કટેશીયાની વિછીંયામાં મારૂતિ મેડીકલ સ્ટોર ધરાવતા રાજુ તુલશીભાઇ નિમ્બાર્ક, જયદીપ રાજુભાઇ નિમ્બાર્ક અને વિજય મનુભાઇ નિમ્બાર્ક નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાની સુનિલભાઇ બુધાભાઇ કટેશીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાતા ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.રાણા, વી.એમ.કોલાદરા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ અને પ્રણયભાઇ સાવરીયા સહિતના સ્ટાફે છાસીયા ગામેથી ધરપકડ કરી વિછીંયા પોલીસને સોપી દીધા છે.

પ્રકાશ કટેશીયા અને વિનુભાઇ પોતાનો આઇસર ટ્રક લઇ વિછીંયા ગામે ઘઉં ખાલી કરવા માટે ગયા હતા ત્યારે બેન્કવાળી શેરીમાં મારૂતિ મેડિકલ સ્ટોર પાસે વીજ થાંભલા પાસે ટ્રક અથડાતા વીજ થાંભલો પડી જતા રાજુ નિમ્બાર્ક, તેના પુત્ર જયદીપ અને વિજય સાથે બોલાચાલી થતા ત્રણેય શખ્સોએ લાફા માર્યા અંગે પ્રકાશ અને સુનિલ કટેશીયા વિછીંયાની સત્યજીત સોસાયટીમાં રહેતા રાજુ નિમ્બાર્કને સમજાવવા જતા ત્રણેય શખ્સોએ એક સંપ કરી છરી અને પાઇપથી હુમલો કરી હત્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.