નિચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા: ચોટીલા-સાવરકુંડલા-થાનગઢમાં ૨ ઈંચ, મુળીમાં ૧॥ ઈંચ સાયલા-ચુડા-પાટડી-વઢવાણ-બગસરામાં ૧ ઈંચ વરસાદ
ભાવનગરમાં આજે બપોરે બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો જિલ્લામાં વલ્લભીપુરમાં પણ અઢી ઈંચ વરસાદ પડયો હતો. ગોંડલમાં એક કલાકમાં અનરાધાર બે ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજયનાં ૫૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
પ્રિ-મોન્સુન એક્ટિવીટી અસરના કારણે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે હળવા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ વરસી ગયા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પણ સવારે અડધો કલાકમાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો તો ગોંડલમાં બપોરે જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ એક કલાકમાં સુપડાધારે ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયેલ હતું. નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. બપોરે સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
રાજકોટમાં પણ વાતાવરણ ધાબડ હોય સાંજે મેઘો મંડાય તેવું લાગી રહ્યું છે.
સવારથી વાદળછાંટા વાતાવરણ વચ્ચે બપોરે ૧ વાગ્યા આસપાસ ગોંડલમાં સુપડાધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જોત-જોતામાં એક કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના કારણે વાહનો પણ બંધ થઈ ગયા હતા.
ઉપલેટા અને ધોરાજી, પડધરી અને લોધીકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૪૮ મીમી, બગસરામાં ૨૩ મીમી અને અમરેલી શહેરમાં ૬ મીમી વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૨૭ મીમી, ચોટીલામાં ૫૩ મીમી, ચુડામાં ૨૫ મીમી, પાટડીમાં ૨૩ મીમી, ધ્રાંગધ્રામાં ૧૫ મીમી, લખતરમાં ૧૧ મીમી, લીંબડીમાં ૨૦ મીમી, મુળીમાં ૩૬ મીમી અને વઢવાણમાં ૨૯ મીમી વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં ૨૮ મીમી, રાણાવાવમાં ૩ મીમી જ્યારે પોરબંદરમાં ૧ મીમી વરસાદ પડ્યો હતો.