• દાખલાની કામગીરીમાં ઝડપ લાવવા ગ્રામ્ય પ્રાંત મેદાને

અરજદારોને હાલાકી પડતી હોવાની રાવ ઉઠ્યા બાદ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી રૂબરૂ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા : ટોકન સિસ્ટમનો અમલ, જેથી કતારમાં ઉભુ રહેવું પડે

અબતક, રાજકોટ  : રાજકોટના બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા કઢાવવા માટે અરજદારોને હેરાનગતિ થતી હોવાની રાવ મળતા ગ્રામ્ય પ્રાંતે રૂબરૂ પહોંચી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ઝડપી બને તે માટે અનેક સુધારાઓ કરાવ્યા હતા.

રાજકોટમાં બહુમાળી ભવનમાં સવારના 7 વાગ્યાથી જ જાતિના દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો લાગે છે. ધોરણ 10-12નું પરિણામ આવ્યા બાદ આવક અને જાતિના સર્ટીફિકેટ લેવા માટે લોકોને કલાકો લાઈનમાં ઉભા રહેવુ પડે છે અને ભારે હાલાકી પડી રહી છે. બહુમાળી ભવન ખાતે ધોમધખતા તાપ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્રિમીલેયર અને આવકના દાખલા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

મોટી સંખ્યામાં આવતા અરજદારો માટે ભારે ગરમી વચ્ચે ના તો પાણીની વ્યવસ્થા છે કે ના તો બેસવાની કોઈ વ્યવસ્થા છે.દાખલા કઢાવવા માટેની ત્રણ ત્રણ બારીઓ હોવા છતા લાંબી કતારો લાગે છે. તેવી રાવ ઉઠ્યા બાદ કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે.

આજે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ બહુમાળી ભવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ દાખલાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ટોકન સિસ્ટમ પણ શરૂ કરાવી હતી. જેથી વધુ સંખ્યામાં અરજદારોએ કતારમા ઉભું રહેવું ન પડે. તેઓએ સમાજ કલ્યાણ અધિકારી સાથે બેઠક કરી ઝડપથી દાખલા નીકળે તેવું આયોજન હાથ ધરવા કહ્યું હતું.

અરજદારોને બેસવા દેવા માટે કર્મચારી મહામંડળની ઓફિસ ખોલવા તજવીજ

સૂત્રોના જણાવ્યા અનુસાર બહુમાળી ભવન ખાતે કર્મચારી મહામંડળની ઓફિસ આવેલ છે. આ ઓફિસમાં તાળું માર્યું હતું. જેનો રેગ્યુલર ઉપયોગ ન હોય આ ઓફિસની ચાવીઓ મંગાવવામાં આવી છે. જો જરૂર પડશે તો આ ઓફિસનો અરજદારોના વેઇટિંગ રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.