શરાબ અને મોબાઈલ મળી રૂ.1,11 લાખનો મુદામાલ કબજે: બેની શોધખોળ
જેતપુર ધોરાજી રોડ પર પંચમ્યા આંખની હોસ્પિટલ નજીક રહેતા કોંગ્રેસના કાર્યકરનાં મકાનમાં પોલીસે વિદેશી દારૂની રેડ કરી, શરાબની 239 બોટલ મળી રૂ.1.11 લાખના મુદામાલ સાથે કોંગ્રેસ કાર્યકર સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જયારે બે શખ્સો નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી રોડ પર આવેલી પંચમ્યા આંખની હોસ્પિટલની પાસે રહેતા અને કોંગ્રેસના કાર્યકર અનિકેત કૈલાશભાઈ બાવીશાએ તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી જેતપૂર પોલીસને મળતા જેતપૂર શહેર પોલીસની ટીમ મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની 239 બોટલ મળી આવી હતી.
જેતપૂર પીઆઈ પી.ડી. દરજી, પી.એસ.આઈ. એસ.આર. ખરાડી હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ સોવલીયા સહિતના સ્ટાફે શરાબ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.1.11 લાખના મુદામાલ સાથે અનિકેત બાવીશા સહિત અંબર ટોકીઝ પાછળ, સીડી વાળી શેરીમાં રહેતો વસીમ ઈકબાલભાઈ સોલંકી અને અવેશ ઉર્ફે જુમો યાકુબભાઈ ખેડારા નામના શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે ત્રણે શખ્સોની શરાબ કોનીપાસેથી મંગાવ્યાની પૂછપરછ કરતા તેઓએ નવાગઢમાં રહેતો ફૈઝલ રજાકભાઈ તેરવાડીયા અને ઉદય નામના શખ્સની સંડોવણી ખૂલતા બંને શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.