ધમકી અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ: સલમાન-સલીમની સુરક્ષામાં વધારો
અભિનેતા સલમાન ખાન અને એના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી એક પત્ર દ્વારા આપવામાં આવી છે. આ પ્રકરણે મુંબઈના બાન્દરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 506(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારો મુસેવાલા હશે એમ એમાં લખેલું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ કાળિયાર કેસમાં જ્યારે સલમાન કોર્ટમાં હાજર થવા રાજસ્થાન પહોંચ્યો હતો ત્યારે મુસેવાલાના હત્યા પાછળ જવાબદાર લોરેન્સ બીશ્નોઈ દ્વારા સલમાનને ધમકી આપવામાં આવી હતી. હવે જ્યારે બીશ્નોઈ દ્વારા મુસેવાલાની હત્યા નિપજાવવામાં આવી છે તેવા સમયે સલમાનને ધમકી મળવી છે ત્યારે આ ધમકીનું કનેક્શન બીશ્નોઈ ગેંગ સાથે છે કે કેમ? તેવો સવાલ ઉઠ્યો છે.
આ પત્ર કોણે ત્યાં રાખ્યો એની ખબર નથી. જો કે ધમકીવાળા પત્રના લીધે સલીમ ખાન બોડીગાર્ડ સાથે બાન્દરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ દાખલ કરી હતી. મને અને મારા પુત્ર સલમાન ખાનને કોઈ અજાણ્યા શખસે જાનથી મારવાની ધમકી આપી છે. આ પ્રકરણે બાન્દરા પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.બાન્દરા પોલીસ પત્ર મૂકનાર વ્યક્તિને શોધવા બેન્ડસ્ટેન્ડ પરિસરના સીસી ટીવી ફૂટેજ તાબામાં લીધા છે અને એમાં તપાસ રહી છે એમ સલીમ ખાને જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ધમકી આપનારે સલીમ ખાન પર નજર રાખી હશે અને તેમનું સવારનું બેસવાનું ઠેકાણું એને ખબર હશે. તેથી સલીમ ખાનના આવ્યા પહેલાં એણે બેન્ચ પર પત્ર રાખ્યો હશે એમ શક્ય છે. પત્ર લખનાર વ્યક્તિ કોણ છે એની તપાસ પોલીસ કરી રહી છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો હતો. મુસેવાલાની હત્યામાં જે ગેંગસ્ટરનું નામ આવ્યું એણે 2008માં સલમાન ખાનને હત્યાની ધમકી આપી હતી. તેથી મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલાં સલમાનની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.