પાકિસ્તાનથી એક વ્યક્તિએ ફોન ઉપર આપી ધમકી : સુરક્ષા એજન્સીઓ સતર્ક બની, ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
દેશના આર્થિક પાટનગર એવા મુંબઈની વિશ્વ વિખ્યાત તાજ હોટેલ ઉપર ફરી સંકટના અણસાર મળી રહ્યા છે. પાકિસ્તાનથી એક વ્યક્તિએ ફોન ઉપર તાજ હોટેલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ ઘટના બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં સુરક્ષા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત તાજ હોટલનો બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારા અજાણ્યા વ્યક્તિએ કહ્યું, કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલો આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર થશે.
આ ધમકી ભર્યા ફોન બાદ સુરક્ષા એજન્સીઓ ઊંધામાથે થઈ છે. હાલ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસે તાજ હોટેલ ઉપરાંત મુંબઈ શહેરની સુરક્ષા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આશરે 60 કલાક સુધી ચાલેલા હુમલામાં 166થી વધારે લોકો માર્યા ગયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 28 વિદેશી નાગરિકો પણ હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા હતા.
મુંબઈ આતંકી હુમલાના એકમાત્ર આતંકી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. તેણે ભારતીય તપાસ એજન્સીએ ઘટના અંગે પૂછપરછ કરી હતી. જેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું હતું. કસાબને 21 સપ્ટેમ્બર, 2012ની સવારે પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.