Abtak Media Google News
  • ઇમેઇલ ઉપર ધમકીઓ મળી, તંત્ર દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ, કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળી

તાજેતરમાં જમ્મુમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા બાદ અમરનાથ યાત્રાની સુરક્ષા ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે. તેવામાં ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાની કમાન સંભાળી સુરક્ષા એજન્સીઓને છુટ્ટો દોર આપ્યો છે. તેવામાં હવે દેશના 41 એરપોર્ટ અને મુંબઈની 50 હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર હાઈ એલર્ટ ઉપર છે.

દેશના 41 એરપોર્ટને મંગળવારે બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા.  આ પછી સુરક્ષા એજન્સીઓએ કેટલાક કલાકો સુધી એરપોર્ટ પર સર્ચ કર્યું હતું.  અનેક વિમાનોની પણ તપાસ કરવામાં આવી હતી.  તેવી જ રીતે મુંબઈની 50 થી વધુ હોસ્પિટલોને પણ બોમ્બની ધમકી મળી હતી. એરપોર્ટને આ ઈમેલ લગભગ 12.40 વાગ્યે જીમેલ આઈડી પરથી મળ્યા હતા.  આ પછી ત્યાં ઈમરજન્સી પગલાં લેવામાં આવ્યા હતા.  જેમાં પટના, નાગપુર, કોઈમ્બતુર, ચેન્નાઈ, વડોદરા, જયપુર અને અન્ય એરપોર્ટનો સમાવેશ થાય છે.  શોધખોળ બાદ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.  તમામ ઈમેલમાં લગભગ એકસરખા સંદેશા હતા.  જેમાં લખ્યું હતું કે, હેલો, એરપોર્ટમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે.  બોમ્બ જલ્દી ફૂટશે.  તમે બધા મરી જશો.  સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ એરપોર્ટે ધમકીને ખોટી ગણીને ફગાવી દીધી હતી અને મુસાફરોની અવરજવર શક્ય તેટલી અવિરત રાખવામાં આવી હતી.

બીજી તરફ જસલોક, રાહેજા, સેવન હિલ્સ, કોહિનૂર, કેઈએમ, જેજે અને સેન્ટ જ્યોર્જ સહિત મુંબઈની 50 થી વધુ હોસ્પિટલોને વીપીએન નેટવર્ક દ્વારા ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.  પોલીસે જણાવ્યું હતું કે જેમણે આ કર્યું તેમને શોધવામાં આવી રહ્યા છે.  સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.  કોલકાતાની સરકારી હોસ્પિટલ એસએસકેએમને પણ આવી જ ધમકી મળી છે.

કેએનઆર નામનું ઓનલાઈન ગ્રુપ આ ખોટા ધમકી ઈમેઈલ પાછળ હોવાની શંકા છે.  આ જૂથે ગત 1 મેના રોજ દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓને સમાન ઇમેઇલ મોકલ્યા હતા.

વડોદરા એરપોર્ટ ડાયરેક્ટરના ઇ-મેલ આઈડી પર બપોરે 12:45 વાગે આવેલા બોમ્બ બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા ઇ-મેલથી એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. એરપોર્ટ ડાયરેક્ટરના ઇ-મેલ આઈડી ઉપર માત્ર બે લીટીનો ઇ-મેલ અજાણ્યા આઈડી ઉપરથી આવ્યો હતો. જેમાં ‘એરપોર્ટમાં બોમ્બ છે, ગમે ત્યારે બ્લાસ્ટ થશે’ તેવું અંગ્રેજીમાં લખેલું હતું. મેલની જાણ થતાં જ 1 વાગ્યાથી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટનો કબજો લઇ ડોગ સ્ક્વોડ અને અન્ય સાધનોથી ચેકીંગ કર્યું હતું.

પાક.નો પૂર્વ બ્રિગેડિયર અને 2018ના  હુમલાનો માસ્ટર માઈન્ડ આમિર હમઝા ઠાર

ભારતને નુકસાન પહોંચાડનારા દુશ્મનોને સતત ખતમ કરવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધી એક પછી એક છ દુશ્મનો માર્યા ગયા છે, 2018માં કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ અને પાકિસ્તાનનો ભૂતપૂર્વ બ્રિગેડીયર આમિર હમઝાની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે.  પંજાબ પ્રાંતમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આમિરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.  આમિર હમઝાને ભારતનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવતો હતો.  તેમણે કાશ્મીર ખીણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી ન હતી.  તે ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મોટો ખતરો બની ગયો હતો.  તે કાશ્મીરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચતો હતો. આમિર હમઝાને વર્ષ 2018માં સુંજવાનમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.  આ ષડયંત્રમાં 6 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે 12થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા.  સુંજવાન હુમલામાં સામેલ તે બીજો આતંકવાદી છે જે માર્યો ગયો છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે કાર જેલમના લીલા ઇન્ટરચેન્જ પર પહોંચી કે તરત જ બે બાઇક પર સવાર ચાર લોકોએ તેને બંને બાજુથી ઘેરી લીધી.  જેલમ પોલીસનું કહેવું છે કે પાછળ બેઠેલા લોકોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને તે પછી તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.