નદીકાંઠે પાણીના વહેણમાં નડતરરૂપ બાંધકામો સામે કલેક્ટર તંત્ર કાર્યવાહી હાથ ધરશે : નોટિસ પિરિયડ પૂર્ણ થયા બાદ હવે ગમે ત્યારે બુલડોઝર ધણધણશે
ગેરકાયદે દબાણો સામે અગાઉ પણ તત્કાલીન પ્રાંત ચરણસિંહ ગોહિલે સટાસટી બોલાવી હતી: તેમના ગયા બાદ પણ ક્રમશ: કાર્યવાહી ચાલુ જ રહેશે
અબતક, રાજકોટ
કોઠારીયા વિસ્તારમાં ડીમોલેશનના ભણકારા વાગી રહ્યા છે. નદીકાંઠા વિસ્તારમાં અંદાજે 41 મકાનો તોડી પાડવા કલેક્ટર તંત્ર સજ્જ છે. હવે ગમે ત્યારે ડીમોલેશન હાથ ધરવામાં આવનાર છે. તેવું જાણવા મળી રહ્યું છે.કોઠારીયા વિસ્તારમાં ગેરકાયદે દબાણો વ્યાપક પ્રમાણમાં હોય, જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.તંત્ર દ્વારા સર્વે નં.352માં નદીકાંઠા વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે મકાનો હટાવવા તૈયારી હાથ ધરી છે. આ મકાનોના દબાણોના કારણે નદીના વહેણને અવરોધ ઉભો થયો હોય તમામને મકાનો ખાલી કરવા નોટિસો પણ પાઠવવામાં આવી હતી.
હવે આ તમામ સામે આકરી કાર્યવાહી તોળાઈ રહી છે. નદી કાંઠા વિસ્તારમાં અંદાજે 41 જેટલા મકાનો આવેલાછે.આ મકાનોનું ગમે ત્યારે ડીમોલેશન હાથ ધરવામાં આવનાર છે. તંત્ર દ્વારા અગાઉ આ મકાન ધારકોને નોટિસો પણ પાઠવવામાં આવી હતી. પણ તેઓએ મકાનનો કબ્જો છોડ્યો ન હોવાનું માલુમ પડી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે હવે કોઠારીયા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાઈ રહ્યા છે. એની સામે તંત્ર હવે ધીમે ધીમે કાર્યવાહી આરંભી રહ્યું છે. આ પૂર્વે પણ પ્રાંત અધિકારી તરીકે કાર્યરત ચરણસિંહ ગોહિલ દ્વારા મોટા પ્રમાણમાં ડિમોલિશનના ઓપરેશન હાથ ધર્યા હતા.
કોઠારીયામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણોની રાવ મળી રહી છે માટે કલેક્ટર તંત્ર દ્વારા આ ફરિયાદોના આધારે આગામી સમયમાં ક્રમશ: કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.એટલે આવતા દિવસોમાં પણ બુલડોઝરની ધણધણાટી જોવા મળે તો નવાઇ નહી.