કોઠારિયા કોલોનીના બગીચામાં છોકરાઓના રમવા બાબતે ચાર શખ્સોએ બંદુક, તલવાર અને ધોકા સાથે ઘસી જઇ બઘડાટી બોલાવી
બંદુક સાથે જાહેરમાં ફરતા રણજીત ખાચરનો વીડિયો વાયરલ થતા પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો
શહેરમાં પોલીસની ધાક ન હોય તેમ સામાન્ય બાબતે ઘાતક હથિયાર સાથે આંતક મચાવવો સામાન્ય અને રોજીંદી ઘટના બની ગઇ હોય તેમ કોઠારિયા કોલોનીના બગીચામાં છોકરાને રમવા જેવી સામાન્ય બાબતે બંદુક સાથે ચાર શખ્સોએ બઘડાટી બોલાવ્યાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. બંદુક સાથે સરા જાહેર ધમકી દીધાનો વીડિયો વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોરઠીયાવાડી સર્કલ કોઠારિયા કોલોની કવાર્ટર નંબર 62માં રહેતા મિલનભાઇ મનુભાઇ સબાડ નામના 29 વર્ષના આહિર યુવાને તેના જ પાડોશમાં રહેતા રણજીતભાઇ ગોવુભા ખાચર, અનકુભાઇ બસીયા, પ્રતાપભાઇ વસ્તુભાઇ ખાચર અને મુળુભા દિલુભા ખાચર નામના શખ્સો સામે બંદુક, તલવાર અને ધોકા સાથે આવી ભડાકે દેવાની ધમકી દીધાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રણજીતભાઇ ખાચર તાજેતરમાં જ કોઠારિયા રોડ પર મકાન વેચી સોરઠીયાવાડી સર્કલ પાસે કોઠારિયા કોલોની પાસે રહેવા ગયા હતા. કોઠારિયા કોલોની ખાતે આવેલા બગીચામાં છોકરાઓને રમવા બાબતે રણજીતભાઇ ખાચર અને મિલનભાઇ સબાડને બોલાચાલી થઇ હોવાથી રણજીતભાઇ ખાચર પોતાના સંબંધી અનકુભાઇ બસીયા, પ્રતાપભાઇ ખાચર અને મુળુભા ખાચરને બોલાવી બંદુક, તલવાર અને ધોકા સાથે મિલનભાઇ સબાડની ડેલી પાસે ગયા બાદ ‘નીચે ઉતર તને ભડાકે દેવો છે’ કહી ધમકી દઇ બઘડાટી બોલાવી હતી.
રણજીતભાઇ ખાચર સહિત ચાર શખ્સો ઘાતક હથિયાર સાથે જાહેરમાં ફરતા હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસમાં દોડદામ મચી ગઇ હતી. પોલીસ તપાસના અંતે કોઠારિયા કોલોની કવાર્ટર નંબર 62 પાસે બનાવ બન્યાનું બહાર આવતા પી.આઇ. ઝાલા અને પી.એસ.આઇ, આર.એન.હાથલીયા સહિતના સ્ટાફે અનકુભાઇ બસીયા, રણજીતભાઇ ખાચર, પ્રતાપભાઇ ખાચર અને મુળુભા ખાચર સામે બંદુક બતાવી ભડાકે દેવાની ધમકી દીધા અંગેનો ગુનો નોંધી ચારેયની શોધખોળ હાથધરી છે. ચારેય ઝડપાયા બાદ બગીચામાં છોકરાઓને રમવા બાબતે બની છે કે અન્ય કોઇ કારણે બંદુક બતાવી ધમકી દીધી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.