વિફરેલા ટોળાને વિખેરવા પોલીસે ૨૧ ટીયર ગેસના સેલ છોડયા: પોલીસે નિર્દોષને માર મારી વાહનમાં તોડફોડ કર્યાના આક્ષેપ સાથે ટોળુ કલેકટરના નિવાસ સ્થાને ઘસી ગયું: પથ્થરમારામાં પોલીસમેન ઘવાયો: સાત જેટલા પોલીસના વાહનમાં તોડફોડ: પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસની મદદ લેવાઇ
પોરબંદરમાં ખારવા યુવતીની મુસ્લિમ શખ્સોએ કરેલી છેડતીના પ્રશ્ર્ને ઘાતક હથિયાર સાથે બંને સમાજના ટોળા આમને સામને આવી જતા તંગદીલી સર્જાય હતી. પોલીસે વિફરેલા ટોળાને વિખેરવા ૨૧ ટીયર ગેસના સેલ છોડી લાઠ્ઠીચાર્જ કર્યો હતો. બેકાબુ ટોળાએ પોલીસ પર કરેલા પથ્થરમારામાં એક પોલીસમેન ઘવાયો હતો અને પોલીસના સાત જેટલા વાહનમાં નુકસાન થયું હતું. પોલીસે નિર્દોષને માર મારી વાહનોમાં તોડફોડ કર્યાના આક્ષેપ સાથે મોડીરાતે જિલ્લા કલેકટરના નિવાસ સ્થાને રજૂઆત માટે દોડી ગયા હતા. પોરબંદર ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસની મદદ લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોરબંદરના જૂના બંદર રોડ પર પરસોતમ માસ નિમિતે ખારવા સમાજની મહિલાઓ અને યુવતીઓ પરંપરાતગ રીતે પૂજન કરી પગપાળા કોટ ફરવા માટે નિકળી હતી ત્યારે સિપાઇ જમાતખાના પાસે કેટલાક લુખ્ખાઓએ યુવતીની છેડતી કરતા યુવતીઓએ લુખ્ખાઓને પાઠ ભણાવ્યો હતો.
લુખ્ખાઓ અને ખારવા સમાજની યુવતીઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી તે દરમિયાન ખારવા સમાજના કેટલાક યુવાનો ત્યાં ઘસી આવતા લુખ્ખાઓ ભાગી ગયા બાદ તલવાર અને છરા જેવા હથિયાર સાથે પરત આવી હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. સિપાઇ જમાતખાના પાસે મુસ્લિમ અને ખારવા સમાજના યુવાનો વચ્ચે માથાકૂટ ચાલતી હોવાની જાણ થતા ૨૦૦૦નું ટોળુ ઘટના સ્થળે ઘસી આવ્યું હતું અને પથ્થરમારો કરતા સર્જાયેલી તંગદીલી અંગેની પોલીસને જાણ થતા સમગ્ર શહેરનો પોલીસ સ્ટાફ સિપાઇ જમાતખાતા ખાતે દોડી ગયો હતો.
રોષે ભરાયેલા ટોળાને પોલીસે સમજાવવા પ્રયાસ કરતા પોલીસ પર પથ્થરમારો શરૂ કરતા એક પોલીસમેન ઘવાયો હતો. પોલીસના સાત જેટલા વાહનોમાં તોડફોડ થતા પોલીસે ટોળાને વિખેરવા ૨૧ ટીયર ગેસના સેલ છોડી લાઠ્ઠીચાર્જ કર્યો હતો.
પોલીસે પરિસ્થિતી કાબુ કરવા કેટલાક નિર્દોષ પર પણ લાઠ્ઠીચાર્જ કરી વાહનોમાં તોડફોડ કરતા અંદાજે ૪૦૦ જેટલા વાહનોમાં થયેલા નુકસાનના કારણે ટોળુ મોડીરાતે જિલ્લા કલેકટરને પોલીસ વિરૂધ્ધ રજૂઆત કરી હતી. પોરબંદરમાં ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસની મદદ લીધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com