સૌરાષ્ટ્રની ‘તાસીર’ રંગ લાવી!!
પાળ ગામે ઉદ્યોગપતિ પર ધારિયાથી હુમલો: સ્વબચાવમાં કરાયું ફાયરિંગ
પક્ષી પ્રેમી દિલીપભાઇ તંતી અને સેઢા પાડોશી નિખિલ સોરઠીયા વચ્ચે મોડીરાતે બઘડાટી બોલી
જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પાળ દોડી ગયા: સામસામે નોંધાતો ગુનો
સૌરાષ્ટ્રની ‘તાસીર’માં જ છે સામાન્ય બાબતે લોહીયાળ ધિંગાણું ખેલાયા છે. અતિ ઇગો અને અતિ સવંદનશીલ ગણાતા સૌરાષ્ટ્રવાસીઓ કોઇનું કયારેય સહન કરવામાં માનતા ન હોવાના કારણે જ બાઇક અથડાવવા જેવી કે સામું જોવા જેવી નજીવી બાબતે અને એસટી બસમાં જગ્યા બાબતે હત્યા થયાનું નોંધાયું છે. ‘હું કોણ છું મને ઓળખે છે’ બોલવું સમાન્ય બની ગયું છે. આ શબ્દોના કારણે જ લોહીયાળ જંગ ખેલાઇ રહ્યા છે આવો જ એક બનાવ ગઇકાલે પાળ ગામે બન્યો છે.
શહેરની ભાગોળે આવેલા પાળ ગામે ગત મોડીરાતે ખેતરના સેઢા પાડોશી વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીના કારણે ઉદ્યોગપતિ પર દસ જેટલા શખ્સોએ ધારિયાથી ખૂની હુમલો કર્યાની અને ઉદ્યોગપતિએ પોતના સ્વબચાવમાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઇ છે. ફાયરિંગના બનાવના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકાના પાળ ગામે ઉદ્યોગપતિ અને પક્ષી પ્રેમી દિલીપભાઇ ભીખુભાઇ તંતી પોતાની વાડીએ હતા ત્યારે તેમની બાજુમાં વાડી ધરાવતા નિખીલભાઇ પરસોતમભાઇ સોરઠીયા સહિત દસ શખ્સોએ ધારિયાથી હુમલો કરતા તેમને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે દિલીપભાઇ તંતીએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં નિખિલ પરસોતમભાઇ સોરઠીયા ઘવાયા છે.
પોલીસ તપાસ દરમિયાન દિલીપભાઇ તંતી અને નિખિલભાઇ સોરઠીયાના બાજુ બાજુમાં ખેતર હોવાથી શેઢા પાડોશી છે. નિખિલ સોરઠીયા પોતાના પરિવાર સાથે પોતાના ફાર્મ હાઉસ હતા ત્યારે મજુર સાથે દિલીપભાઇ તંતીને બોલાચાલી થઇ હતી ત્યારે નિખિલ સોરઠીયા ત્યાં દોડી આવ્યા હતા અને ગાળો કેમ બોલો છો કહી માથામાં ધારિયાનો ઘા મારી દીધો હતો. જ્યારે દિલીપભાઇ તંતીએ પણ પોતાના સ્વ બચાવ માટે પોતાના પરવાનાવાળા હથિયારમાંથી ફાયરિંગ કરતા નિખિલભાઇ સોરઠીયાને પગમાં ઇજા થઇ હતી.
ઘવાયેલા દિલીપભાઇ તંતીને સારવાર માટે સ્ટલીંગ અને નિખિલભાઇ સોરઠીયાને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ફાયરિંગની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ અને લોધિકા પીએસઆઇ એચ.એમ.ધાધલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસ બંને પક્ષે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.