નિવૃત પોલીસને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આપી ધમકી

અબતક, રાજકોટ

લોધીકા તાલુકાના મોટાવડા ગામના મહિલા સરપંચના પતિ અને નિવૃત પોલીસ મેનને ગ્રામ પંચાયત હસ્તકના કામ પેટે રૂા.10 હજારની માંગણી કરી છરી વડે ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાશ એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપી ચલાવી રહી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાના મોટાવડા ગામે રહેતા નિવૃત એ.એસ.આઇ. સુરેશભાઇ દેવાભાઇ બગડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગઇકાલે બપોરના સમયે તલાટીમંત્રી લાલુભા તથા સરપંચ સુરપાલસિંહ જાડેજાનાઓ સાથે ગ્રામ પંચાયતની ઓફિસે હતા ત્યારે તેના ગામનાં યોગરાજસિંહ મહિપતસિંહ જાડેજા ઓફિસે આવી અને કહેવા લાગ્યા હતાં કે “ગ્રામ પંચાયત હસ્તકના કામ તમે રાખો છો, તેમા મને દસ હજાર રૂપિયા આપવાના” તેવું કહેતા તેમનાઓએ તેમને સમજાવ્યા હતા કે આ સરકારી કામ છે. આમાં પૈસા ન આપવાના હોય તેવું કહેતાં આરોપીએ ઉશ્કેરાઇ અને ફરિયાદીને ગાળો ભાંડી જાતી વિશે હડધૂત કહ્યો હતો અને બાદ તે ત્યાંથી જતા રહ્યા હતા.

બાદ તેના મિત્રો ઉપસરપંચ અને તલાટીમંત્રીએ આ અંગે વાત કરી હતી અને તેને સમાધાન માટે ફરી બોલાવ્યા હતા જ્યાં આરોપી યોગરાજસિંહ ફરી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી જ્યાં પોલીસને ફોન કર્યા બાદ બંનેને છૂટા પાડતા આરોપી ત્યાંથી નાશી છૂટ્યો હતો. જેમાં લોધીકા પોલીસને જાણ થતાં તેને યોગરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.