હાલમાં ગુજરાતભરમાં હાઈ એલર્ટ હોય સરહદી છેવાડાના વિસ્તાર તેમજ ભારતના પ્રમુખ યાત્રાધામ પૈકીનાં એક એવા દ્વારકાની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા દ્વારકાની બહાર આવેલ બે કિમીના અંતરે આવેલા ખોડીયાર ચેકપોસ્ટ નાકાથી જ દરેક વાહનનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. રોડ તેમજ રેલ માર્ગ તેમજ દરીયાઈ પટ્ટીની પણ સુરક્ષા વધારી દેવાઈ છે.
ભારત તેમજ પાકિસ્તાન વચ્ચે હાલના પુલવામાં એટેક અને ત્યારબાદ ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક ૨ બાદ ઉદભવેલી બંદે દેશોની તંગદીલી અને યુધ્ધના વાતાવરણ વચ્ચે ભારત અને પાકિસ્તાન ગુજરાત રાજયથી જમીન માર્ગે તેમજ દરીયાઈ માર્ગે પણ જોડાયેલું હોય ભૂતકાળમાં ભારતની ભૂમિનો તેમજ દરીયાઈ પટ્ટીનો પાકિસ્તાન પ્રેરીત આતંકીઓએ તેમજ પાક. લશ્કરે દૂરૂપયોગ કર્યો હોય ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સમુદ્રી તેમજ જમીન માર્ગે સલામતી વધારવામાં આવી છે. દરીયાઈ સીમાડાઓમાં રક્ષણાર્થે ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડ તેમજ એરફોર્સ મોરચો સંભાળ્યો છે. જયારે રાજયભરનાં શહેરી વિસ્તારો તેમજ મહત્વના તીર્થધામો અને સીમાડાના વિસ્તારોની સલામતી વધારી દેવાઈ છે. જે અનુસંધાને જ ઓખાના ડાલડા બંદર તેમજ દ્વારકાના રૂપેણ બંદર પરથી દરીયામાં માછીમારી કરતી હજારો માછીમારી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે ફીશરીઝ વિભાગે વધુ માછીમારી બોટોને દરીયો ખેડવા માટે પાસ ઈશ્યુ કરવાનાં બંદ કર્યા છે. તેમજ હાલમાં કાર્યરત માછીમારી બોટોને પરત બોલાવવા સૂચનાઓ આપી દેવાઈ છે. જેમાની મોટાભાગની દરીયો ખેડતી બોટો પરત દ્વારકા તેમજ ઓખા બંદરે ફરી ચૂકી છે. જયારે બાકી રહેલી બોટોને પણ સૂચનાઓ વહેતી કરી પરત બોલાવવા કામગીરી હાથ ધરાઈ છે.