વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. આ દરમિયાન સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ સાથે CISFના ઇ-મેઇલ પર મળેલા એક મેઈલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. તેમજ ઇ-મેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ધમકી મળતા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ એક્શન મોડ પર જોવા મળી રહી છે.
ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસ કવાયત
ગુજરાતમાં હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે. તો લોકો ગરબાના તાલે ઝુમવામાં મગ્ન રહે છે. ત્યારે પોલીસ તેમની સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હોય છે. આવા સમય વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. અને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્થળ પર
વડોદરાના હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ તાત્કાલિક એરપોર્ટ ખાતે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ સાથે પોલીસ દ્વારા પણ એરપોર્ટના તમામ વિભાગમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતું. જો કે હજુ સુધી એરપોર્ટ પરથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
થોડા મહિના પહેલા પણ મળી હતી ધમકી
થોડા મહિના પહેલા પણ વડોદરા એરપોર્ટને આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તે સમયે પણ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તે સમયે પણ એરપોર્ટ પરથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. ત્યારે હવે ફરી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. તેમજ એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે.