ગુજરાત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મધ્યપ્રદેશના બે શખ્સોને ઉઠાવી લીધા : સિમ બોક્સ કબ્જે કરાયું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચના પહેલા દિવસે બન્ને દેશના વડાપ્રધાન સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ દિવસે અનેક ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. દરમિયાન ખાલિસ્તાની આતંકીઓએ રાજ્યના અનેક લોકોને ઓડિયો તેમજ વીડિયો મારફતે ધમકી આપી હતી કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. આ મેસેજને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ઓડિયો પ્રિરેકોર્ડડ હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં જે નંબરથી ધમકી આપવામાં આવી રહી હતી તે નંબર સાઇબર ક્રાઇમે લોકેશન મેળવીને મધ્યપ્રદેશ પહોંચી હતી. યુપી બોર્ડર પાસે આવેલા મધ્યપ્રદેશના સતના અને રિવા જિલ્લામાંથી બે આરોપીઓને પકડી પાડયા છે. બન્ને પાસેથી ગેરકાયદે એક્સચેન્જ પણ મળી આવ્યું છે. આ બન્નેની પૂછપરછમાં ખાલિસ્તાનીઓના સમર્થક હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંઘ પન્નુનું ગ્રૂપ આ બન્ને આરોપીઓને સપોર્ટ કરતું હોવાનું પણ સામે આવ્યું છે.
સાઇબર ક્રાઇમે તપાસ કરી મધ્યપ્રદેશથી મેસેજ થયો હોવાનું જાણવા મળ્યું અને ખાલિસ્તાની બે સમર્થકોને ઝડપી લીધા છે. બન્ને શખ્સો ગેરકાયદે એક્સચેન્જ ચલાવીને હવાલા તેમજ સ્મગ્લિંગનું કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. બંને પાસેથી સિમ બોક્સ ડિવાઇસ, લેપટોપ મોબાઈલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.સિમ બોક્સ ડિવાઇસ એવુ ઉપકરણ છે કે જે આંતરરાષ્ટ્રીય કોલ્સને લોકલ કોલમાં પરિવર્તિત કરી દે છે. જેથી સાચા નંબર મેળવી શકાતા નથી. આ ઉપકરણનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય માફિયાઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉપકરણમાં 20 થી માંડી 500 જેટલાં સીમકાર્ડ રાખી શકાય છે.
અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ ઉચ્ચારણો કરી ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે, ગુજરાતના લોકો 9 માર્ચે ઘરે રહો અને સુરક્ષિત રહો કારણ કે ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિક્રેટ સ્ટેડિયમમાં હુમલો કરશે ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવશે. ત્યારે ખાલિસ્તાન તરફી શીખો અને ભારતીય પોલીસ વચ્ચે તમે બલીનો બકરો ના બનતા. જ્યારે પન્નુએ રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન વિરુદ્ધ કેટલીક પ્રતિકુળ ટિપ્પણીઓ કરી હતી.
બન્ને શખ્સો ખાલિસ્તાનીના સમર્થન માટે ગેરકાયદેસર એક્સચેન્જ ચલાવીને પ્રચાર કરતા હતા. આ ઉપરાંત, ખાલિસ્તાની ગ્રૂપની ધાક જમાવવા માટે એક્સચેન્જ મારફતે ધમકીઓ પણ આપતા હતા. આથી ખાલિસ્તાન આતંકી ગુરૂપતવંતસિંઘના ગ્રૂપ દ્વારા બન્ને શખ્સોને મહિને 2.50 લાખ ચૂકવવામાં આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.