તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશથી હુમલો થવાની ધમકી આપતો ઈમેઈલ એનઆઈએને મળ્યો
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આતંકી હુમલાની ધમકી મળી છે. એનઆઈએને આ અંગે ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશનાં વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ પોલીસ અને અન્ય એજન્સીએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. મળતી માહિતી અનુસાર એનઆઈએને કોઈ અજાણ્યા શખ્સે ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ કર્યો છે. જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનારી વ્યક્તિએ પોતાને તાબિલાની હોવાનું જણાવ્યું અને દાવો કર્યો છે કે તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ હેઠળ આ કામ થવાનું છે.
ધમકીભર્યા ઈમેલની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસને આ અંગે જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો એની જાણકારી એકઠી કરવા લાગ્યા છે. ત્યાં જ દેશનાં વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિરાજુદ્દીન હક્કાની તાલિબાનનો સૌથી ખતરનાક ગુટ હક્કાની નેટવર્કનો મુખ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં 2 નંબરના નેતાનો દરજ્જો ધરાવે છે. તાબિલાનમાં હક્કાની નેટવર્કની ખાસ અસર છે. અમેરિકી તપાસ એજન્સીએ હક્કાનીના લોકેશન અંગે સૂચના આપનારી વ્યક્તિને 10 મિલિયન ડોલર ઇનામ આપવાનું રાખ્યું છે.
જાન્યુઆરીમાં પણ મુંબઇમાં હુમલાની ધમકી મળી હતી
આ પહેલાં જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરમાં વિવિધ જગ્યાએ બોમ્બધમાકા કરવાની ધમકી આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે 1993ની જેમ વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરીશું અને આ હુમલો 2 મહિનાની અંદર જ કરવામાં આવશે.
અયોધ્યામાં રામ જન્મભૂમિને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી
અયોધ્યામાં 2 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ રામ જન્મભૂમિ સ્થળને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. રામ જન્મભૂમિ પોલીસવડા સંજીવ કુમાર સિંહે જણાવ્યું હતું કે રામકોટ વિસ્તારમાં સ્થિત રામલલ્લા સદન મંદિરમાં રહેનાર મનોજ નામની વ્યક્તિએ પોલીસને સૂચના આપી હતી કે આજે તેના મોબાઈલમાં એક કોલ આવ્યો હતો. સંજીવ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે મનોજે જણાવ્યું કે ફોન કરનારી વ્યક્તિએ ધમકી આપી કે સવારે 10 વાગ્યે રામ જન્મભૂમિને વિસ્ફોટ કરીને ઉડાડી દેશે. આમ કહીને તરત જ ફોન કરનારી વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો.