- પુનરાવર્તનનો શંખ ફૂંકાશે કે પરિવર્તનનો પવન? સર્વત્ર એક જ ચર્ચા
- શહેર ભાજપ પ્રમુખ પદે મુકેશ દોશીને રિપીટ થતાં રોકવા અગાઉ એકાબીજાના કટ્ટર વિરોધી જૂથોએ હાથ મિલાવી લીધાની ચર્ચા
રાજકોટ શહેર ભાજપના સુકાની બનવા માટે 29 દાવેદારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તમામના ઉમેદવારી ફોર્મ સાત માપદંડોમાં સફળ રહ્યા છે. આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ આ ફોર્મ વિશેષ ટીક્કા-ટીપ્પણી સાથે રજૂ કરી દેવામાં આવ્યા છે. હવે આવતીકાલે તમામ નામો દિલ્હી દરબારમાં રજૂ કરી દેવામાં આવશે. છેલ્લા 20 માસથી શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી બજાવી રહેલા મુકેશ દોશીને રિપીટ કરવામાં આવશે કે કોર્પોરેશનની ચૂંટણીના એક વર્ષ પૂર્વે ભાજપ દ્વારા રાજકોટ માટે કોઇ નવા નેતાને સુકાની પદ આપવામાં આવશે. તેને લઇને રોમાંચક અને ઉત્તેજનાસભર ચર્ચાઓ ચાલી રહી છે. મુકેશ દોશીને પ્રમુખ પદે રિપીટ થતાં રોકવા માટે અગાઉ એકબીજાના કટ્ટર વિરોધી રહેલા જૂથોએ છેલ્લા ત્રણેક દિવસથી પોતાના રાજકારણને બચાવવા માટે હાથ મિલાવી લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. અસંતુષ્ટોએ કશ્યપ શુક્લનો ઝંડો ઉપાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગત શનિવારે શહેર ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકમાં 33 ફોર્મ ઉપાડ્યા હતા અને 29 ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા. ફોર્મની ચકાસણી કરવા માટે શનિવારે સાંજે જ બેઠક મળી હતી. જેમાં તમામ 29 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. દરમિયાન 29 પૈકી માત્ર વર્તમાન પ્રમુખ મુકેશભાઇ દોશી અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તથા પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કશ્યપ શુક્લ જ પ્રબળ દાવેદાર હોવાની વાતો વહેતી થવા માંડી હતી. 80 ટકા આગેવાનો એવું કહી રહ્યા હતા કે મુકેશભાઇ દોશીને પ્રમુખ પદે રિપીટ કરવામાં આવશે. આ વાતથી શહેર ભાજપના બે ચોક્કસ જૂથોમાં ફાળ પડી હતી. આ બંને જૂથો વર્ષોથી એકબીજાના કટ્ટર વિરોધી હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, બંનેએ પોતાના રાજકારણને ટકાવી રાખવા માટે હાથ મિલાવી લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શનિવારે સાંજે સર્કિટ હાઉસ ખાતે સંગઠન પર્વના ક્લસ્ટર ઇન્ચાર્જ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક અને ચૂંટણી અધિકારી માયાબેન કોડનાનીને હાલ શહેર ભાજપની સંગઠન વ્યવસ્થામાં ન હોય તેવા 22 જેટલા આગેવાનો રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર, સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્ેદારો ઉપરાંત કેટલાક વર્તમાન નગરસેવકો પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મયંક નાયક અને માયાબેન કોડનાનીએ આ ગ્રુપને એવી ખાતરી આપી હતી કે તેઓની રજૂઆત પ્રદેશ હાઇકમાન્ડ સુધી પહોંચાડી દેવામાં આવશે. આ વાત હાલ સંગઠનમાં જવાબદારી નિભાવી રહેલા કેટલાક હોદ્ેદારો સુધી પહોંચતા તેઓએ મુકેશભાઇ દોશીની તરફેણમાં ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવાનું મન બનાવી લીધું હતું. સંગઠનમાં ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા એક મહિલા અગ્રણીએ ભાજપના કેટલાક મહિલા નગરસેવકોને ફોન કરી મુકેશભાઇની તરફેણમાં સેન્સ આપવા માટે જણાવ્યું હતું. જ્યારે પક્ષના એક સિનિયર કોર્પોરેટરએ પુરૂષ કોર્પોરેટરોને ફોન કરીને વર્તમાન પ્રમુખની તરફેણમાં સેન્સ આપવાનું કહ્યું હતું. જો કે, આ વાત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સુધી પહોંચતા તેઓએ તમામ પ્રક્રિયા અટકાવી દીધી હતી.
કોર્પોરેશનની ચૂંટણીના આડે હવે માત્ર એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા 20 મહિનામાં મુકેશભાઇ દોશીએ કરેલી કામગીરીની નોંધ સર્વત્ર લેવાઇ રહી છે. પ્રદેશ હાઇકમાન્ડ માત્ર રાજકોટ શહેર જ નહિં પરંતુ મોટાભાગના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને રિપીટ કરવાના મૂડમાં છે. મુકેશ દોશીને જો વધુ ત્રણ વર્ષ માટે રિપીટ કરવામાં આવે તો પોતાનું રાજકારણ ખતમ થઇ જશે. તેવો ડર ઉભો થતા શહેર ભાજપના બે જૂથોએ હાથ મિલાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, તમામ 29 નામો હાલ પ્રદેશમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. કાલે દિલ્હીમાં નામ મૂકી દેવાશે ત્યારબાદ દિલ્હી દરબારમાંથી કોઇપણ ઘડીએ પ્રમુખના નામ જાહેર કરવામાં આવશે.
` 22 અસંતુષ્ટો સામે પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ રજૂ કરવાની તૈયારી
શહેર ભાજપ પ્રમુખ પદે મુકેશ દોશીને રિપીટ થતાં રોકવા માટે છેલ્લા ઘણા સમયથી પક્ષમાં જે આગેવાનો તદ્ન સાઇડ લાઇન થઇ ગયા છે અને હાલ પક્ષની કોઇપણ વ્યવસ્થામાં નથી. તેવા 22 આગેવાનોએ ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયક અને માયાબેન કોડનાનીની કાન ભંભેરણી કરી હતી. આ ઘટનાના માત્ર રાજકોટ જ નહિં પરંતુ રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. શહેર ભાજપ પ્રમુખ પદે મુકેશભાઇ રિપીટ થતાં હોવાની વાત વહેતી થતાં અસંતુષ્ટોએ કશ્યપ શુક્લનો ઝંડો ઉપાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન સામા પક્ષે મુકેશ દોશી જૂથ પણ લડી લેવાના મૂડમાં છે. છેલ્લા 20 મહિનામાં એટલે કે જ્યારથી પ્રમુખ પદ મુકેશભાઇએ સંભાડ્યું ત્યારથી અત્યાર સુધીમાં આ 22 નેતાઓએ શું કામગીરી કરી તેનો રિપોર્ટ પણ માંગવા પ્રદેશમાં રજૂઆત કરાશે. આટલું જ નહિં અસંતુષ્ટોના ટોળાએ પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે. તેનો ધગધગતો રિપોર્ટ પણ પ્રદેશમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સંગઠન પર્વ અંતર્ગત જ્યારે સદસ્યતા અભિયાન ઝુંબેશ ચાલી રહી હતી ત્યારે ભાજપના જ એક મોટા નેતાના ધર્મપત્નિએ મહિલા આગેવાનોને એવી ટકોર કરી હતી કે માત્ર 100 સભ્યો જ બનાવજો. જેથી તમે સક્રિય સભ્ય બની શકો. જો વધુ સભ્ય બનાવશો તો રાજકોટ આગળ રહેશે અને તેનો સિધો લાભ વર્તમાન પ્રમુખ મુકેશ દોશીને મળશે. આ અંગે પણ જે-તે સમયે શહેર ભાજપ દ્વારા પ્રદેશના નેતાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
શહેર ભાજપ માટે બે દિવસ ભારે: ઉદય કાનગડ જ કિંગમેકર
આગામી બુધવારે મોડી સાંજે અથવા ગુરૂવારે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના કેટલાક શહેર અને મહાનગરોના અધ્યક્ષના નામ જાહેર કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. જો કે, પ્રમુખ પદને લઇ જે રિતે ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તે જોતાં શહેર ભાજપ માટે બે દિવસ ખૂબ જ ભારે હોવાનું મનાઇ રહ્યું છે. હાલ વ્યવસ્થામાં સર્વોપરી રહેલા એકજૂથ એવું કહી રહ્યું છે કે જો કોઇ કારણોસર મુકેશભાઇ દોશીને રિપીટ ન કરી શકાય તેમ હોય તો દેવાંગભાઇ માંકડને શહેર ભાજપના નવા પ્રમુખ બનાવવામાં આવે. બીજી તરફ અસંતુષ્ટોએ કશ્યપ શુક્લની તરફેણ કરી રહ્યા છે. જો કે, તેઓને પ્રમુખ બનાવવામાં પક્ષએ નિયત કરેલા સાત પૈકી બે નિયમો નડત્તરરૂપ બની રહ્યા છે. જે-તે સમયે કશ્યપ શુક્લ જ્યારે ભાજપ છોડીને રાજપામાં ગયા હતા અને રૂડાના ચેરમેન બન્યા હતા ત્યારે ભાજપે તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. બીજો નિયમએ છે કે એક પરિવારમાં એક જ સભ્યને હોદ્ો આપવામાં આવશે. કશ્યપ શુક્લના નાના ભાઇ નેહલ શુક્લ હાલ વોર્ડ નં.7ના કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓની તરફેણમાં
નિર્ણય લેવામાં આવે તો નિયમભંગ થાય તેમ છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ જ પ્રદેશ ભાજપના સંગઠન ચૂંટણી અધિકારી હોય, હવે શહેર ભાજપ નક્કી કરવામાં પણ તેઓની ભૂમિકા કિંગમેકર તરીકેની રહેશે. મુકેશભાઇ દોશીને પણ પોણા બે વર્ષ પહેલા ઉદય કાનગડે જ પ્રમુખ પદે બેસાડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
દિલ્હી સુધી લોબિંગ? દોશી પેવેલીયન ‘રિલેક્સ’ મૂડમાં
શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ચોક્કસ જૂથ દ્વારા દિલ્હી સુધી લોબિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જે લોકોએ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે. તેઓએ હવે કોર્પોરેશનની લોબીમાં પણ આંટાફેરા મારવાનું શરૂ કરી દીધું છે. અસંતુષ્ટોની ઉગ્ર રજૂઆત બાદ માહોલ વધુ સરળ બની ગયો હોય તેવું મુકેશ દોશી જૂથ માની રહ્યું છે. હાલ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહેલા નેતાઓનું તો એવું કહેવું છે કે હાલ પ્રદેશ ભાજપ પાસે મુકેશભાઇ દોશીને રિપીટ ન કરવાના કોઇ કારણો જણાતા નથી. રિપીટ કરવાના અનેક કારણો છે. દોશી પેવેલીયન એકદમ રિલેક્સ મૂડમાં છે. મુકેશભાઇને રિપીટ કરવામાં આવે તેવા 80 ટકા ચાન્સીસ હાલ દેખાઇ રહ્યા છે. છતાં છેલ્લી ઘડી સુધી ભાજપમાં કશું કહી શકાય તેવું ન હોય. એકપણ જૂથ જ્યાં સુધી પ્રમુખનું સત્તાવાર નામ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. નવા અધ્યક્ષ જે કોઇ બને અમૂક વંડી પર બેઠેલા નેતાઓ હાલ બંને જૂથના દાવેદારોને ઉત્સાહના હિંચકા નાંખી રહ્યા છે. જે રિતે દોશી જૂથ ચિંતામુક્ત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે મુકેશભાઇને રિપીટ કરવામાં આવશે.
કોનો પતંગ ચગશે? બે જૂથ વચ્ચે ત્રીજો તો નહીં આવી જાયને?
પ્રમુખ પદ મેળવવા માટે શહેર ભાજપમાં બે જૂથ હવે રિતસર આમને-સામને આવી ગયા છે. શનિવારે જ્યારે એવી વાતો થવા માંડી કે મુકેશભાઇ રિપીટ થઇ રહ્યા છે ત્યારે અસંતુષ્ટ જૂથના સર્વેસર્વા નેતાએ એવી પણ તૈયારી દર્શાવી હતી કે સાથે બેસી જવું છે તો અત્યારે હું મારૂં ફોર્મ પરત ખેંચી લઉં પરંતુ સામા પક્ષે જો રિપીટ થાય અને હરિફ જૂથનું અહેસાન ત્રણ વર્ષ સુધી વેઠવું પડે તેવી શક્યતા જણાતા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આપ પણ પક્ષના આગેવાન છો લડવા માટે હક્ક ધરાવો છો. આ વાતચિત બાદ મામલો થોડો વધુ બગડ્યો હતો. હવે ઉત્તરાયણ પૂર્વે ક્યા જૂથનો પતંગ ચગશે અને ક્યા જૂથની કન્ની કપાશે. તેના પર સર્વેની નજર ટકેલી છે. બે જૂથ વચ્ચેની લડાઇમાં કોઇ ત્રીજો ન ફાવી જાય તે પણ શક્યતા નકારી શકાતી નથી. શહેર ભાજપનો માહોલ હાલ ખૂબ જ તરલ છે.