નિવૃત પીએસઆઈ, એએસઆઈ અને બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તા જહેમત ઉઠાવી ગરીબોને બે સમય જમવાનું પહોંચાડી ગરીબોના ખરા અર્થમાં મદદગાર બન્યા
કોરોનાની મહામારીએ સરકારને લોક ડાઉન કરવાની ફરજ પાડી છે ત્યારે હજારોની સંખ્યામાં ટકનું લાવી ટકનું ખાતા હજારો ગરીબો બેહાલ બન્યા છે. ત્યારે તકનો લાભ લેનાર કેટલાક કહેવાતા લેભાગુ તત્વો એકલ દોકલ ગરીબ, શ્રમીક પરિવારને અનાજ અને જીવન જરૂરી ચીજ વસ્તુની કીટ આપી ફોટા પડાવી નામના મેળવતા શખ્સોની આંખે ઉઘાડો તેવું ભગીરથ કાર્ય રાજકોટના નિવૃત પી.એસ.આઈ, એએસઆઈ, અને બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યોધ્ધાઓ રોજ સવારથી ગરીબો માટે જમવાનું બનાવવા તથા તેના સુધી પહોચાડવાના કાર્યમાં કોરોના મહામારીની કે પરિવારની પણ ચિંતા કર્યા વગર આ ભગીરથ કાર્યમાં લાગી જાય છે. રાજકોટમાં આશરે રોજના ૩૦ હજારથી વધુ ગરીબોને બે ટકનું જમવાનું પહોચાડી આ યોધ્ધાઓ આ સેવા યજ્ઞ દ્વારા ૩૦ હજારથી વધુ ગરીબોની જઠરાગની ઠારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
નિવૃત પોલીસ પોલીસ કર્મી અને બોલબાલા ટ્રસ્ટની ટીમે ખંભે ખંભો મીલાવી સેવાકીય ભગીરથ કાર્યને કઈ રીતે પૂરૂ કરવું તેની સરળતા માટે વિવિધ ટીમ બનાવી છે. જેમાં ફંડ એકઠું કરવું, જરૂરીયાત મંદોને ફૂટ પેકેટ પહોચાડવા, અને જરૂરી રાશન શાકભાજીનો જથ્થો પોલીસ હેડ કવાર્ટર સુધી પહોચતો કરવાની કામગીરી સ્વખૂશીથી સંભાળી લીધી છે.
રોજ ૩૦૦થી વધુ ડીલવરી કરતા કાર્યકરો
રાજકોટ શહેર તથા રાજકોટની ભાગોળે નવાગામ, આણંદપર, કોઠારીયા સોલ્વંટ, મોટામવા, કણકોટના પાટીયા વિસ્તાર, માધાપર ચોકડી, બેડીગામ સહિતના ૧૫ કિલોમીટરના એરીયામાં ૩૦૦થી વધુ યુવાનો ૫૦ ફોર વ્હીલર અને રીક્ષા તથા ૫૦ ટુવ વ્હીલરમાં અલગ અલગ ટીમો દ્વારા ગરીબોને ફૂટ પેકેટ પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યકરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ હેડ કવાર્ટર ખાતે વાહનો માટે પંચર, મીકેનીકલ, તબીબી સેવા, માસ્ક, પેટ્રોલ તથા ટ્રસ્ટના વાહનોની સુવિધા ઉભી કરવામાં આવી છે. રોજની ૩૦૦થી વધુ ડીલવરી કાર્યકરો કરે છે. તેની સાથે સાથે હેડ કવાર્ટર ખાતેથી રોજ ૫૦૦થી વધુ ફૂટ પેકેટની સેલ્ફ ડીલવરી પણ કરવામાં આવે છે.
સેવા યજ્ઞ સાથે સુરક્ષા
પોલીસ હેડ કવાર્ટર ખાતે ગરીબો માટે જમવાનું બનાવી જરૂરીયાત મંદો સુધી પહોચાડવાનું કાર્ય કરતા સેવાભાવી લોકો માટે સંકુલમાં પ્રવેશ કરતા પેલા સેનેટાઈઝર ગેઈટ મૂકવામાં આવ્યો છે. જેમાંથી તમામ લોકોએ આવતા જતા સેનેટાઈઝ ગેઈટમાંથી પસાર થયા બાદ જ પોતાનું સેવા કાર્ય શરૂ કરવાનું અને સેવા સાથે સુરક્ષીત રહેવા અંગે પ્રથમ કાર્ય કરવામાં આવે છે.
ઉદ્યોગપતિઓ અને સામાજીક સંસ્થાઓ આપે છે યોગદાન
પોલીસ હેડ કવાર્ટર ખાતે ચાલતા સેવા યજ્ઞમાં શહેરના નામાંકીત ઉદ્યોગપતિ ફીલ્ડ માર્શલ વાળાએ રોજના શાકભાજી તથા અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી માટે રોજ રૂા.૨ લાખની સહાય આપે છે. તથા અન્ય સામાજીક સંસ્થા દ્વારા રૂા.૫ લાખનું યોગદાન આપવામાં આવ્યું છે.
સસ્તા ભાવે નફા વગર શાકભાજી આપી વેપારી બન્યા સેવામાં સહભાગી
ગરીબો માટે ચાલતા સેવા યજ્ઞમાં માર્કેટ યાર્ડના શાકભાજીના વેપારી પણ સહભાગી બન્યા છે. તેઓએ રોજ જરૂરી શાક ભાજી પૂરી પાડી અને આ શાકભાજીના બજાર ભાવ કરતા પણ સસ્તા ભાવે આપી નફો નહિ લઈ પોતે પણ મહદ અંશે સેવા યજ્ઞના સહભાગી બન્યા છે.
ગરીબો માટે ઘર જેવી રસોઈ
બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો અને નિવૃત પોલીસના કર્મીઓ દ્વારા રોજ ગરીબો માટે સુધ્ધ અને સ્વાદીષ્ટ ઘર જેવી જ રસોઈ બનાવવામાં આવે છે. બે ટાઈમના જમણવારમાં રોજ રોટલી શાક, થેપલા, બ્રેડ, વધારેલી ખીચડી બનાવવામાં આવે છે. રસોઈ બનાવતી વેળાએ સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવામાં આવે છે. ૨૦૦થી વધુ કાર્યકરો, ૫૦ રસોયાબેનો, ૩૦ ટ્રાફિક બ્રિગેડ જવાનો ૨૫ વિદ્યાર્થીઓ તથા બોલબાલા ટ્રસ્ટના ૨૫ થી વધુ ટ્રસ્ટીઓ અને સ્ટાફ આ ભગીરથ કાર્ય ગરીબો સુધી પહોચાડી સાર્થક કરી રહ્યા છે.
જરૂરિયાતમંદો માટે બૂકીંગ સુવિધા
શહેરમાં ૧૫ કિલોમીટરના તમામ એરીયામાં વસ્તા ગરીબ લોકો, શ્રમીક, પરિવારો તથા જરૂરીયાત મંદોને સમયસર બે ટાઈમ જમવાનું મળી રહે તે માટે જેતે વિસ્તારમાંથી સામાજીક કાર્યકરો દ્વારા ફોનથી જમવાના ફૂટ પેકેટની કેટલી જરૂરીયાત છે તે અંગે પોતાનો ઓર્ડર બુક કરાવી શકે તે માટે ટેબલ પર ઓર્ડર બુકીંગની સેવા શરૂ કરાઈ છે. કયા કયા વિસ્તારમાં જરૂરીયાત મંદોને જમવાનું પહોચતુ કે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે તાત્કાલીક સંપર્ક માટે સુવિધા ઉભી કરાઈ છે.