રાજકોટની મહિલા સહિત પાંચની ધરપકડ.
કાલાવડના ખરેડી ગામમાં ગયા સોમવારની રાત્રે ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂત પાસે આવેલી રાજકોટની એક મહિલા તથા તેના પાંચ સાગરિતો જેમાં બે શખ્સો ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવે છે તેઓએ હની ટ્રેપના ભાગરૃપે મહિલા સાથે તે ખેડૂતના મોબાઈલમાં ફોટા પાડી લઈ રૃા.૧૦ લાખની માગણી કરી રૃા.૨ લાખમાં ’પતાવટ’ કરવા ધમકી આપી માર માર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.
પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી છે.કાલાવડ તાલુકા સહિત સમગ્ર જામનગર જિલ્લામાં ચકચાર જગાવનાર હની ટ્રેપના આ કિસ્સાની વધુ વિગત મુજબ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા ખેડૂત દામજીભાઈ કાનજીભાઈ કોઠિયા (ઉ.વ.૪ર) ગયા સોમવારે રાત્રે દોઢેક વાગ્યે પોતાના ખરેડીની સીમમાં આવેલા ખેતરે હતા ત્યારે ત્યાં એક મહિલા ચઢી આવી હતી.
તે મહિલા સાથે જ્યારે દામજીભાઈ વાત કરતા હતા ત્યારે જ પાંચ જેટલા શખ્સો અંધારામાંથી પ્રગટ થયા હતા. તેઓએ દામજીભાઈ પટેલને આટલી મોડીરાત્રે મહિલા સાથે અહીં શું કરો છો? તેમ કહી દાટી મારવાનું શરૃ કરતા દામજીભાઈ સાથે ખેતરમાં હાજર તેમના મિત્ર પણ દોડી આવ્યા હતા.
પાંચેય શખ્સોએ દામજીભાઈને તે મહિલા સાથે અનૈતિક સંબંધો છે તેમ કહી તેણીના દામજીભાઈ સાથે ફોટા પાડી લીધા હતા અને તે ફોટાના આધારે દામજીભાઈને બદનામ કરી નાખવામાં આવશે તેમ કહી દાટી મારતા દામજીભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
ત્યાર પછી પાંચેય શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી દામજીભાઈ તથા તેમના મિત્રને મારકૂટ આરંભી હતી અને ગાળો ભાંડી હતી. આથી ઘુંટણિયે પડી ગયેલા દામજીભાઈને તાબે કરી લેવા માટે આ શખ્સોએ રૃા.૧૦ લાખ આપી ’પતાવટ’ કરવાનું જણાવતા પોતાની પાસે આટલા પૈસા નથી તેમ દામજીભાઈએ કહેતા ભારે રકઝક પછી રૃા.ર લાખમાં પતાવટ કરવાનું કહી આ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.