પોલીસ સ્ટેશનના ધકકા ખાવામાંથી સામાન્ય નાગરિકને મળશે છુટકારો
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સામાન્ય નાગરિકની સગવડતા માટે એક નવી એપ શરૂ થવા જઈ રહી છે. ‘નો યોર પોલીસ’ નામની આ એપનો સામાન્ય નાગરિક ઉપયોગ કરી શકશે અને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિકારી વિશે માહિતી મેળવી શકશે.
આ એપમાં પોલીસ ઓફિસર્સ પોલીસ સ્ટેશનનો નકસો અને અન્ય કેટલીક જરૂરી બાબતો ઓનલાઈન જાણી શકાશે. નાગરીકો ઓનલાઈન એપનો ઉપયોગ કરી એફઆઈઆર નોંધાવી શકશે. ગુજરાત સરકાર દ્વારા આ એપમાં ૧૦૦ જેટલી સેવાઓ જોડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં દારૂ પીવાની પરમીટ પણ એપમાં મોજુદ છે. આ ઉપરાંત રોડ-શો માટેની મંજુરી પબ્લીક ઈવેન્ટની મંજુરીનો પણ આ એપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગના એક સિનિયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે કેવાયપી એપ નાગરિકો માટે સહાયક બની રહેશે. અત્યારે ભણેલા ગણેલા લોકોને પણ પોતાના વિસ્તારના પોલીસ અધિકારી કોણ છે તેની જાણ હોતી નથી અને કોનો સંપર્ક કરવો તેની પણ ખબર હોતી નથી. આ એપના માધ્યમથી પોલીસ સ્ટેશનના લોકેશનની સાથે સાથે પોલીસ સ્ટાફની પણ જાણ થશે અને તેની કોન્ટેક ડિટેઈલ પણ મળશે.
સરકારે આ એપ દ્વારા એવું પણ આયોજન કર્યું છે કે ફરિયાદ અને રજીસ્ટ્રેશન માટે પોલીસ સ્ટેશનના ધકકા ન ખાવા પડે. ભાડુઆતનું રજિસ્ટ્રેશન, ડોમેસ્ટીક હેલ્પ રજિસ્ટ્રેશન, ડ્રાઈવર રજિસ્ટ્રેશન આ ઉપરાંત હથિયારની પરમીટ, દારૂની પરમીટ, ઝેરી દવાઓની પરમીટ, અમ્યુઝમેન્ટ પરમીટ, સાયબર કાફે પરમીટ, રોડ શો પરમીટ, રાઈટ ટુ ઈન્ફોર્મેશન એપ્લીકેશન, ડોમેસ્ટીક સર્ટીફીકેટ, એફઆઈઆર કોપીની એપ્લીકેશન ખોવાયેલા અને અપહરણ કરાયેલા લોકોના નામ તેમજ તે ગુન્હા સાથે સંકળાયેલા ગુનેગારોના નામ આ ઉપરાંત ખોવાયેલા મળી આવેલા કે રીકવર કરાયેલા વ્હીકલ, હથિયાર અને અન્ય મિલકત, એસીબી ની ફરિયાદ, ઓનલાઈન કમ્પલેઈન રીડર્સ સિસ્ટમ, રેલવે પોલીસ સર્વિસ, ટ્રાફિક એનઓસી, હોટેલ રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિઝિટ એપ્લીકેશન તેમજ પાસપોર્ટ પોલીસ વેરીફીકેશન, લાઉડ સ્પીકર પરમીટ પોલીસ બેન્ડ બુકિગ જેવી સેવાઓનો નો યોર પોલીસ એપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.