ગ્રાહક સુરક્ષા મંડળની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં આઠ સોસાયટીઓના લોકો સ્વયંભૂ જોડાયા:જોરદાર લડતનો પ્રારંભ
મોરબી મચ્છુ હોનારત બાદ આડત્રીસ વર્ષથી દસ્તાવેજ જંખી રહેલા હજારો લોકો આજે દસ્તાવેજ અધિકાર મંચના નેજા હેઠળ વિશાળ રેલી યોજી બહેરી સરકારને ઢંઢોળવા પ્રયાસ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં મોરબી પૂર હોનારતનો ભોગ બનેલા પૂર પીડિતોને સંસ્થા દ્વારા સોંપેલ મકાનની સત્તા, પ્રકાર ફેરફાર થવા તથા નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરવા અને પીડિતોને ફાળવેલી જમીનની પ્રીમિયમની રકમ માફ કરવા તેમજ જુનીજંત્રીમુજબ દસ્તાવેજો કરી આપવાની માંગણી કરવામાં આવી છે અને જો તેમની આ માંગણીઓ અને સનદ વાળો પ્રશ્ન હલ ના થઇ તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.
મોરબીમાં મચ્છુ હોનારત બાદ સામાકાંઠે જનકલ્યાણ નગર અને રીલીફનગરમાં સરકારે જમીન ફાળવતા આ જમીન ઉપર સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા હતા જેના દસ્તાવેજ કરી આપવામાં સરકારી તંત્ર આટલા વર્ષો બાદ નવી જંત્રી મુજબ નાણાં ભરપાઈ કરવાનું દબાણ કરી દસ્તાવેજના નામે લોલીપપ આપતું હોવાથી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વર્ષો જૂનો પ્રશ્ન હાથ ઉપર લઇ દસ્તાવેજ અધિકાર મંચની સ્થપના કરી છે અને આજે દસ્તાવેજ વગરની તમામ સોસાયટીના લોકોએ લડતના મંડાણ કર્યા છે. જેના અંતર્ગત ગઈકાલે દસ્તાવેજ વિહોણી આઠ સોસાયટીના હજારો લોકોએ રિલીફ નગર હનુમાન મંદિરથી બાઈક રેલી યોજી પોતાની વર્ષો જૂની માંગણીના મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોરબી પૂર હોનારતનો ભોગ બનેલા પૂર પીડિતોને સંસ્થા દ્વારા સોંપેલ મકાનની સત્તા, પ્રકાર ફેરફાર થવા તથા નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરવા અને પીડિતોને ફાળવેલી જમીનની પ્રીમિયમની રકમ માફ કરવા તેમજ જુનીજંત્રીમુજબ દસ્તાવેજો કરી આપવાની માંગણી કરવામાં આવી હતી.અને આ મુદ્દે જો સરકાર તાકીદે યોગ્ય પગલાં લઇ સનદ વાળો પ્રશ્ન હાલ ના કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રોટરી નઞર ,રીલીફ નઞર, અરુણોદયનઞર, ન્યુ રીલીફ નઞર, જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર,વર્ધમાન અને અનંતનગર સોસાયટીના વરસો જુના દસ્તાવેજ મુદ્દે ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ મિટિંગ મળી હતી જેમાં સેંકડોની સંખ્યામાં દસ્તાવેજ ન ધરાવતા ઉપરોક્ત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા અને દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી હતી અને ગઈકાલે રેલી યોજી વર્ષો જુના પ્રશ્ને લડતના મંડાણ કર્યા હતા.