જય જય આદિનાથના જયઘોષ સાથે જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાની તળેટી ગૂંજી ઉઠી
પાલીતાણામાં છ ગાઉ પરિક્રમામાં હર્ષોલ્લાસના દરિયા વચ્ચે ભક્તિભાવના મોજાનો લ્હાવો
જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટી થી પ્રારંભ થયો.આ છ ગાઉં ની યાત્રા માં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વ માંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રા માં જોડાયા. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લહાવો છે.
જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉં ની યાત્રા નો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટી થી જય જય આદીનાથ ના જયઘોષ સાથે પ્રારંભ થયો, આજના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મ માં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય આજે હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે, આજની આ છ ગાઉંની યાત્રા માં આજે દેશભર ઉપરાંત વિદેશ માંથી એંશી થી નેવું હજાર લોકો શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યા માં જોડાયા.તેમજ સિદ્ધવડ ખાતે પાલ માં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા.
છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે.
ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે. શાંબ-પ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવનાં પુત્ર હતાં. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાંપગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.
પાલમાં દરેક યાત્રિકો ની દૂધ પાણી થી જમણા પગ નો અંગુઠો ધોઈ,કુમકુમ નું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે. જ્યાં ૯૬ પાલ ની વ્યવસ્થા કરવામાં આવી જેમાં તેમજ ફ્રુટ થી શરુ કરી ને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વત થી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકો ને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તેમજ આકસ્મિક સંજોગો ને પહોચી વળવા માટે ૧૦૮ ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.પાલ માં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટે ની વ્યસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે.