ફિટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃત્તિ અભિયાન અંતર્ગત
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રન ફોર નો ડ્રગ્સ ઈન સેફ કચ્છ, સ્માર્ટ, ફિટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો. બાળકો, સ્પર્ધકોની ચિચિયારીઓથી ટાગોર રોડ ગાજી ઊઠ્યો હતો. પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડના સ્પર્ધકોને લીલીઝંડી આપવા ઉપસ્થિત રહેલા બોર્ડર રેન્જના આઈ.જી.પી. જે. આર. મોથાલિયાએ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આ આયોજનમાં જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આવા નવતર અભિગમને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા.
નો ડ્રગ્સ માટેનું આ અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. લોકો કટિબદ્ધ બનશે તો જ આ નવતર અભિગમ સફળ ગણાશે. આવી સ્પર્ધાઓ થકી સુષુપ્ત શક્તિઓ આવે છે. પૂર્વ કચ્છના પોલીસવડા સાગર બાગમારએ આ આયોજનમાં સહકાર આપનાર દાતાઓ, સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી પોલીસના આ આયોજનમાં ભાગ લેવા તમામ શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, સી.આર.પી.એફ., બી.એસ.એફ.નો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અને પ્રજા સાથે કામ કરે તો આવી તમામ પ્રકારની બદીઓને આગળ વધતાં અટકાવી શકાય તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મેરેથોનની સ્પર્ધા પહેલાં ગાયક કલાકાર કિંજલ દવેએ ‘તું કાનુડો તારી મોરલી હું’થી લોકોને ડોલાવ્યા હતા. આ વેળાએ જુદા–જુદા બેનર અને જોકરો દ્વારા સ્વચ્છતાના સંદેશ આપવામાં આવ્યા હતા. નાસિકના ઢોલ, જોકરોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આયોજનના મુખ્ય સહયોગી સમુદ્ર ગ્રુપના હરિશ્યામભાઈએ કચ્છને ફિટ, સ્વસ્થ બનાવવા રાનિંગ, સાઈકલિંગ, કિડાથોન વગેરેનું આયોજન કરવા ભાર મૂક્યો હતો. સારું જમો, સ્વસ્થ રહો. સ્વચ્છતા, સ્વસ્થતતાના સૂત્ર સાથે તેમનો આગળ વધવા જણાવ્યું હતું. આ વેળાએ બી.એસ.એફના સંજય અવિનાશ, રાજકુમાર, પશ્ચિમ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયા, મુંદરા કોસ્ટ ગાર્ડના કુમાર શર્મા, એ.આર.એમ. આશિષ ધાનિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ટીમ્બર એસો.ના પ્રમુખ નવનીત ગજજર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દરમ્યાન પોલીસે કરેલી ગૂડમોર્નિંગ કચ્છ, સજેશન બોક્સ, લોકસંવાદ, શી ટીમ, સાઈકલ પેટ્રોલિંગ, સાયબર ક્રાઈમ જાગૃતિ, મહારક્તદાન, સેફ પૂર્વ કચ્છ અભિયાન વગેરેનો આવો સાથે ચાલીએ નો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. સ્પર્ધકો દોડે તે પહેલાં ઝુમ્બા ડાન્સ કરાવાયો હતો. આ મેરેથોનમાં પ્રથમ 21 કિ.મી., પછી 10 અને અંતે પાંચ કિ.મી.ના સ્પર્ધકોને ઉપસ્થિત અગ્રણીઓએ ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો, બાળકો, મહિલાઓ ટાગોર રોડ ઉપર દોડતાં આ માર્ગ ગાજી ઊઠ્યો હતો. 21 અને 10 કિ.મી.માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સ્પર્ધકોને ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયાં હતાં.