ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અટવાયા

એસ.ટી.ની હડતાલના પગલે મુસાફરો ટ્રેન અને ખાનગી વાહનોના સહારે

રાજયના ૪૫ હજાર એસ.ટી. કર્મચારીઓ હડતાલ પર: ૮ હજાર બસના પૈડા થંભી ગયા

ફરી એકવાર રાજયમાં એસ.ટી.ના પૈડા થંભી ગયા છે. મધ્યરાત્રીથી જ ગુજરાતભરના એસ.ટી.ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા લાખો મુસાફરો રઝળી પડયા છે. માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ અને રાજય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાત્રીના ૧૨ વાગ્યાથી રાજયભરના મુસાફરો અટવાયા છે. ગુજરાતભરના એસ.ટી.ના ૪૫ હજાર કર્મચારી હડતાલ પર ઉતરતા મધરાતે જ અનેક મુસાફરો અટવાયા હતા અને અંદાજે રાજયની ૭ હજાર એસ.ટી.ના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનારા કર્મચારીઓ તો બીજી તરફ શાળાએ જવા વિદ્યાર્થીઓ રઝળી પડયા હતા.

DSC 6941

એસ.ટી.નિગમની હડતાલની અસર રાજયભરમાં દેખાઈ રહી છે જેને કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ.ટી.ની હડતાલને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એસ.ટી.બસોના પૈડા થંભી જતા ખાનગી વાહન ચાલકોને થઈ ગયા છે. હડતાલના પગલે વિદ્યાર્થીઓ-મુસાફરો ખાનગી વાહનો અને ટ્રેનનો સહારો લઈ રહ્યા છે. આવામાં ખાનગી વાહન ચાલકો મુસાફરો પાસેથી કમરતોડ ભાવ વસુલી રહ્યા છે.

DSC 6962

રાજકોટ એસ.ટી.કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૭માં પગારપંચની માંગણી, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા સહિતના મુદ્દે હડતાલ પાડવામાં આવી છે. જેમાં રાજકોટના ડ્રાઈવર-કંડકટર સહિત અન્ય કર્મચારીઓ દ્વારા રાજયભરના ૪૫ હજાર કર્મીઓ આ હડતાલમાં જોડાયા છે. સરકાર અમારી મુખ્ય માંગણી ન સ્વિકારતા એક દિવસની હડતાલ કરી છે. હજુ જો આ પ્રશ્નોનું નિરાકરણ આજ સાંજ સુધીમાં નહીં થાય તો કર્મચારીઓ દ્વારા અચોકકસ મુદતની હડતાલ પાડવામાં આવશે.

એસ.ટી. કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ નહીં મળે: મુખ્યમંત્રી

3 19

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એસ.ટી.કર્મચારીઓની હડતાલ સંદર્ભ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપી શકાય તેમ નથી. સરકારની પોલીસી પ્રમાણે નફા કરતા બોર્ડ નિગમને જ સાતમાં પગારપંચનો લાભ આપી શકાય તેમ છે. લોકોને થઈ રહેલી હેરાનગતિની નોંધ તંત્રએ લીધી છે. એસ.ટી.નિગમના કર્મચારીઓએ આવું ન કરવું જોઈએ. તંત્ર મડાગાંઠ ઉકેલવાની દિશામાં કામ કરી રહ્યું છે અને થોડા જ દિવસોમાં આ બાબતનો નિવેડો આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.