કોંગી આગેવાનોએ તાત્કાલિક પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરાવી
શહેરનાં દેવપરા શાકમાર્કેટ વિસ્તાર પાસે બપોરે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે હજારો લીટર મહામુલુ પાણી વેડફાઈ ગયું હતું. રોડ પર રિતસર જાણે નદી વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું હતું. વોર્ડનાં કોંગી આગેવાન મયુરસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, પરાક્રમસિંહ વાઘેલા અને વિરલ ભટ્ટ સહિતનાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક વાલ્વ નાખવાની કામગીરી શરૂ કરાવી હતી.આજે દેવપરા શાકમાર્કેટ નજીક પાણીની પાઈપલાઈનનાં વાલ્વની ડીસ તુટી જવાનાં કારણે રાજમાર્ગો પર રીતસર નદીઓ વહેવા લાગી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પાણી છેક ૧ કિલોમીટરથી વધુ દુર પહોંચી ગયું હતું. વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. કોંગી આગેવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરવાનું કામ હાથ પર લીધું હતું. વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતાં લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો.