- જસદણ પંથકમાં પુરવઠા વિભાગનો દરોડો
- ટેન્કર સહિતનો જથ્થો કબ્જે : ઓફિસને પણ સીલ કરી દેવાઈ, કાળા કારોબારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં
જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલી વરણીરાજ હોટલ પાસે જ જાહેરમાં ઓફિસ ખોલી ચારથી વધુ ટાંકા બનાવી તેમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો સંગ્રહ કરીને બેરોકટોક વેપલો થતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર અને રાજકોટ પુરવઠા, જસદણ મામલતદાર અને આટકોટ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો અને હજારો લિટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કબજે લીધો હતો.પ્રાપ્ત વિગત અનુસાર આટકોટની ગોંડલ ચોકડી પાસે આવેલી હોટલ વરણીરાજ પાસે રાજકોટ ભાવનગર હાઇવે પર જ ઓફિસ ખોલીને ચારેક શખ્સો શંકાસ્પદ બાયોડીઝલનો વેપલો કરતા હોવાની બાતમી પરથી ગાંધીનગરથી પુરવઠા ટીમ ત્રાટકી હતી અને સ્થળ પરથી ટેન્કર, જમીનમાં સંગ્રહાયેલો હજારો લિટર ઇંધણનો જથ્થો કબજે લીધો હતો તેમજ ઓફિસને સીલ મારી દેવાયું હતું.જસદણ પંથકમાં ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમો ત્રાટકતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. હાલ ગાંધીનગરની ટીમે જે ઓફિસમાંથી કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો તે ઓફિસને સીલ મારી દીધી છે જયારે ટેન્કર સહિતનો મુદ્દામાલ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.