- ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં પ્રભુની વેશભૂષા અનેક બાળકો કરશે ધારણ: “અબતક” શુભેચ્છા મુલાકાતમાં જૈનમ્ કમિટીના સભ્યોએ આપી માહિતી
જૈનમ્નાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે બાળકો માટે આકર્ષણ કેન્દ્ર અને બાળકોની પ્રિય એવી વેશભુષા સ્પર્ધા તા.10 ને ગુરૂવારનાં રોજ સવારે 8.00 થી 9.00 કલાકે ઈમ્પીરીયા બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે યોજાવા જઈ રહી છે. આ વેશભુષા સ્પર્ધાનું તા.10 ને ગુરૂવારનાં રોજ સવારે 8.00 કલાકે દાનવીર દાતા ખારા પરિવારનાં મોભીઓ વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, સુનીલભાઈ ખારા, જીતુભાઈ ખારાનાં હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં બાળકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાય છે. ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગને આધારીત પાત્રોની વેશભુષાથી સજ્જ બાળકો અવનવા રંગબેરંગી પોશાકો અને વિવિધ પ્રકારનાં આભુષણો, ગેટ અપ અને મેક અપ ધારણ કરીને જોડાય છે ત્યારે માહોલ અદ્ભુત બની જાય છે, ભગવાન મહાવીર સ્વામી, માતા ત્રિશલા, સાધુ સાધ્વજી ભગવંતો જેવા વિવિધ પાત્રોનું સ્વરૂપ બાળકો ધારણ કરે છે, કોઈ પર્વત, કોઈ વૃક્ષ, કોઈ ફુલ, સ્વપન સહીતનાં વિવિધ પાત્રો ભજવતા બાળકોને નિહાળવા અનેરો લ્હાવો છે. ઘણાં દિવસોની વાલીઓની પણ અથાગ મહેનત સ્વરૂપે આ વેશભુષામાં જોડાતા બાળકોની સંખ્યા વર્ષો વર્ષ ખૂબ જ વધતી જાય છે. ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને બાળકો આ મહોત્સવને જીવંત અને નવીનતમ બનાવે છે. આ અંગે સ્પર્ધા અંગે રચાયેલી કમીટીનાં અમીષભાઈ દેસાઈ – તપસ્વી સ્કુલ, રૂષભભાઈ શેઠ, નિપુણભાઈ દોશીએ વિશેષ માહીતી આપતા જણાવ્યું હતુ કે બાળકોમાં ખૂબ જ પ્રિય એવી આ સ્પર્ધામાં જોડાવવા માટે બાળકોનો ઉત્સાહ વર્ષો વર્ષ ખૂબ જ વધી રહ્યો છે, ગયા વર્ષે તો ધારણા બહારનું રજીસ્ટ્રેશન આવેલ હોય સમય મર્યાદા બાદ પણ અવિરત લોકોની લાગણી હોવા છતા ઘણાં લોકોનો સમાવેશ કરી શકાયો ન હતો. આ વર્ષે પણ અત્યારથી આ અંગેની પુછપરછ કરી રહ્યા છે ત્યારે વહેલી તકે આ સ્પર્ધામાં જોડાવવા ઈચ્છુક બાળકોનાં વાલીઓ સમયસર સંપર્ક કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીનાં સહયોગથી ખૂબ સુંદર ગીફ્ટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં સન્માનીત કરી તેમને ઈનામો પ્રદાન કરવામાં આવશે.
આ માટે વેશભુષા સ્પર્ધાની કમીટીનાં સભ્યો અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ, રૂષભભાઈ શેઠ, નિપૂણભાઈ દોશી, સુનીલભાઈ શાહ, દિવ્યેશભાઈ ગાંધી, આકાશભાઈ મહેતા, અનીકભાઈ શેઠ, રૂષભભાઈ વોરા, મીહીરભાઈ શેઠ, કુશલભાઈ કોઠારી, મેહુલભાઈ અજમેરા, યશભાઈ ઉદાણી, કેવલભાઈ મોદી, કામીનભાઈ દોશી જહેમત ઉઠાવી રહ્યા છે.
જૈનનો ઉત્સાહ જૈનેતરો માટે સંભારણું બની જશે: અમીષભાઈ દેસાઈ
અબતકની શુભેચ્છા મુલાકાતમાં અમીષભાઇ દેસાઇએ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે ગત વર્ષે અન્ય એક આકર્ષણ જેની જૈન અને જૈનેત્તર એમ તમામ લોકોએ ખૂબ જ નોંધ લીધી હતી તેવા પ્રભુજીનું પારણું આ વર્ષે પણ તા.9 એપ્રીલને બુધવારનાં રોજ આયોજીત થનાર છે. ચારેય ફિરકા ખબે ખભો મિલાવી પ્રભુ મહાવીરની ભક્તિ કરવા સાથે જોડાયા છે. જૈનનો ઉત્સાહ જૈનેતરો માટે સંભારણું બની જશે. ભગવાન મહાવીર બાળ સ્વરૂપે જેમાં બિરાજમાન થાય છે તેવા પારણામાં પ્રભુને લાડ લડાવવા, કાલાવાલા કરવા, ભક્તિ કરવા માટેનો અનેરો અને સુંદર અવસર એટલે વિર પ્રભુનું પારણું, શુધ્ધ ચાંદીનાં પારણામાં પ્રભુ મહાવીર બાળ સ્વરૂપે પોઢે છે. આ પારણાની ચો તરફ ભગવાનનાં 14 સ્વપનો જે શુધ્ધ ચાંદીથી બનેલ છે. તેને પણ દર્શન માટે સુશોભીત કરવામાં આવે છે. ભગવાનને લાડ લડાવતા હોય તેવા ઉત્કૃષ્ઠ ભાવ સાથે ભગવાનનું પારણું ઝુલાવીને હજારોની સંખ્યામાં માત્ર જૈનો જ નહીં પણ સમાજનો તમામ વર્ગ ધન્યતા અનુભવે છે, ગયા વર્ષે તો અનેક સાધુ અને સાધ્વીજી ભગવંતોએ પણ
આ પારણાની મુલાકાત લઈને ખૂબ જ પ્રશન્નતા વ્યક્ત કરી હતી. આ વર્ષે પણ ભુપેન્દ્ર રોડ ખાતે વિર પ્રભુનું પારણું નામક આકર્ષણ યોજાવા જઈ રહ્યું છે, રંગબેરંગી પુષ્પો, ફળફળાદી, સુકામેવાથી સજ્જ મંડપમાં માતા ત્રિશલાને આવેલ 14 સ્વપનોની પ્રતીકૃતિઓની વચ્ચે શુધ્ધ ચાંદીનાં પારણામાં પોઢેલા વિર પ્રભુ મહાવીરનાં બાળ સ્વરૂપને નિહાળવાનો અનેરો અવસર ચુકવા જેવો નથી.
આ પારણાનો લાભ લેવા કમીટીનાં હેમલભાઈ કામદાર, ધૈર્યભાઈ પારેખ, વિશાલભાઈ વસા, સાગરભાઈ હપાણી, આકાશભાઈ ભલાણી, શૈલેનભાઈ શાહ, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કામાણી, નિલેશભાઈ દેસાઈ, તરૂણભાઈ કોઠારી, દર્શનભાઈ શાહ, અનીષભા વાધર, કૌશીકભાઈ કોઠારી, કેવલભાઈ ઉદાણી, શ્રેણીકભાઈ વોરા, યશભાઈ ઉદાણી, પુષ્પકભાઈ જૈન અને ભવ્યભાઈ વોરા વિગેરેએ સમસ્ત જૈન સમાજ ઉપરાંત જૈનેત્તરોને પણ ભાવભેર અપીલ કરી છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જૈનમ્ પરીવારનાં અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ), નિપૂણભાઈ દોશી, દિવ્યેશભાઈ ગાંધી, પારસભાઈ શેઠ (સી.એ.), શૈલીનભાઈ શાહ, કૌશીકભાઈ કોઠારી, પુષ્પકભાઈ જૈન, ભવ્યભાઈ વોરા, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઇ કોઠારી, ધૈર્યભાઇ પારેખ, અનીશભાઇ વાધર ઉપસ્થિત રહ્યા હતા.