તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સુધારા બિલને સંસદમાં રજૂ કરીને બહુમતિથી કાયદો બનાવ્યો છે. આ કાયદાની જોગવાઈ અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાથી ભારતમાં શરણ લઈ રહેલા હિન્દુ, બૌધ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, પારસી ધર્મના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરીકતા આપી શકશે જેથી પાકિસ્તાનના સરહદી રાજય ગુજરાતમાં પણ લાંબા સમયથી રહેતા હજારો પાકિસ્તાની હિન્દુઓને હવે સરળતાથી ભારતની નાગરિકતા મળવાની આશા જાગી છે. પાકિસ્તાનમાં બહુમતિ મુસ્લિમ પ્રજાના માનસિક, શારીરીક ત્રાસથી મોટી સંખ્યામાં સિંધી, મેઘવાળ, મહેશ્ર્વરી સહિતના વિવિધ સમાજના પાકિસ્તાની હિન્દુ નાગરિકો ગુજરાતનાં વિવિધ શહેરોમાં શરણ લઈ રહ્યા છે.
પાકિસ્તાનમા લાંબા સમયથી થતા ધાર્મિક ઉત્પીડન, સામે લઘુમતિ હિન્દુ નાગરીકોને સરકાર દ્વારા રક્ષણ અપાતું ન હોય દાયકાઓથી સેંકડો હિન્દુક પરિવારો ગુજરાતમાં રણ લઈ રહ્યા છે. પ્રારંભમાં પોતાના સગા-સંબંધીને ત્યાં આશરો લીધા બાદ આ શરણાર્થીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કરીને પગભર થવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી આવા શરણાર્થીઓને ભારતીય નાગરીકતા મેળવવા માટે લાંબી સરકારી પ્રક્રિયાને અનુસરવું પડતુ હતુ. જેનાથી આવા શરણાર્થીઓને લાંબા સમય સુધી નાગરિકતા માટે સરકારી કચેરીઓમાં ધકકા ખાવા પડતા હતા. તંત્ર ઈચ્છે તો આવા શરણાર્થીઓને પાકિસ્તાન પણ પરત મોકલી દેતા હતા અનેક કિસ્સામાં પાકિસ્તાની નાગરિકતા ધરાવતા હિન્દુ મહિલાના ભારતીય નાગરીકતા મેળવવામાંપણ સરકારી કચેરીઓમાં ધકકા ખાવા પડતા હતા.
આ મામલે ૭૦ વર્ષના નિર્મલદાસની ભારતીય નાગરિકત્વ મેળવવાની અપેક્ષા પુરી થશે તેવું જણાય છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૧૯૯૮માં તેઓ પાકિસ્તાનથી અમદાવાદ આવ્યા હતા. પાકિસ્તાનમાં રહેવા માટે સ્થિતિ વકરી બનતા તેમણે પાકિસ્તાન છોડવાની ફરજ પડી હતી. ૩ વર્ષ બાદ તેમનો પરિવાર પણ ભારત આવી ગયો હતો. ભારતીય નાગરિક યુવતી પિંકીને પરણીને નિર્મલદાસનો ૩૯ વર્ષનો પુત્ર હિરાનંદ ભારતીય નાગરિક બની ગયો હતો. જો કે, નિર્મલદાસ અને અન્ય પરિવારજનોને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી હતી. છેલ્લા બે દાયકાથી તેઓ ભારતમાં રેફયુજી તરીકે વસવાટ કરે છે.
ભારતીય નાગરિકત્વ મેળવવા માટે તેઓ કલેકટર ઓફિસના અનેક ધક્કા ખાઈ ચૂકયા છે. પરંતુ કોઈ પરિણામ મળ્યા નથી. અલબત હવે સિટીઝન બીલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ જતાં નિર્મલદાસ અને તેમના પરિવારજનોને હવે ભારતીય નાગરિકત્વ મળી જશે તેવી આશા બંધાઈ છે. નવા નિયમોની અમલવારી શરૂ થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા નોન મુસ્લિમ માઈગ્રન્સને ભારતીય નાગરિકત્વ મેળવવામાં સરળતા રહેશે. અમદાવાદની જેમ રાજકોટ સહિતના અનેક શહેરોમાં પાકિસ્તાની ભારત આવીને રેફયુજીની જેમ રહેતા પરિવારો છે. જેઓ ભારતનું નાગરિકત્વ મેળવવા સંઘર્ષ કરી રહ્યાં છે. વર્ષોથી નાગરિકત્વ મેળવવાની પ્રોસેસ ખૂબજ લાંબી છે. તેમનો આ સંઘર્ષ દશકાઓથી ચાલી રહ્યો છે. હવે નવા બીલના કારણે તેમના આ સંઘર્ષનો અંત આવે તેવી અપેક્ષા બંધાઈ રહી છે.