ટપાલ તંત્ર ઘરેબેઠાં પહોંચાડે છે સરકારી સહાય લોકડાઉનમાં કારગર બન્યો કલેકટર રેમ્યા મોહનનો નિર્ણય
“એ મુમતાઝબાનુ છે? પોસ્ટ ઓફિસમાંથી તમારી સહાયના પૈસા લઈને આવ્યો છું.
અરે, આવો ભાઈ આવો, અલ્લાહ ભલું કરે તમારૂ. લોકડાઉનના સમયમાં સહાયની રકમ અમને ઘરે પહોંચાડવા આવ્યા તમે તો ખરેખર ફરિશ્તા થઈને આવ્યા છો. આ લાગણ સભર સંવાદ ગં.સ્વ. મુમતાઝબાનુ કોટડીયાનો છે. જેમણે ઘર બેઠા પોસ્ટમેન મારફત ગંગા સ્વરૂપ આર્થિક સહાયના પૈસા ચૂકવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતી છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં ડીબીટી મારફત જમા થયેલ રૂપિયા ૧૨૫૦ સહાયની રકમ ઉપાડવા પોસ્ટ ઓફિસ જવું ન પડે અને ઘર બેઠા મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પોસ્ટ વિભાગ સાથે સંકલન સાધીને દરેક લાભાર્થીને પોસ્ટમેન દ્વારા ઘરે નાણા ચુકવવાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. ગં.સ્વ. બહેનોને આર્થિક સહાય પહોંચાડવા માટે રાજકોટ જિલ્લાની ૭ પોસ્ટ ઓફિસ અને ૩૦૦ જેટલા પોસ્ટમેન કર્મચારીઓ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા છે. આ યોજનાનો લાભ જિલ્લાની ૨૦ હજાર બહેનો લાભ લઈ રહી છે. જે પૈકી અત્યાર સુધી ૧૪ હજાર લાભાર્થી બહેનોને પોસ્ટમેન મારફત સહાયની રકમ પહોંચાડવામાં આવી ગઈ છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા સહાયની રકમ મેળવવા માટે વ્હોટ્સએપ નંબર ૬૩૫૪૯૧૯૬૭૬ અને ૬૩૫૪૯૧૯૬૯૫ શરૂ કરવામાં આવ્યાં છે. આ નંબર પર મેસેજ મારફત જાણ કરનાર લાભાર્થીને નિયત સમય મર્યાદામાં પોસ્ટમેન મારફત ઘર બેઠા સહાયની રકમ ચુકવવામાં આવી રહી છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર મિરલભાઈ ખમારે પોસ્ટ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,કોવીડ-૧૯ની કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના નિયમનું પાલન થાય અને ગંગા સ્વરૂપ બહેનોને ઘર બેઠા સહાય પ્રાપ્ત થાય તે માટે પોસ્ટમેન મારફત સહાયની રકમ પહોંચાડવામાં આવી રહી છે. લાભાર્થીને નિયત સમય મર્યાદામાં સહાયની રકમ પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે. જે લાભાર્થીએ બપોરના ૧ વાગ્યા પહેલા પોસ્ટ ઓફિસને જાણ કરી હોય તેવા લાભાર્થીઓને સાંજના ૬ વાગ્યા સુધીમાં સહાય અચુકપણે પહોચી જાય તેવા કાર્યશીલ પ્રયાસો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે લાભાર્થીએ અરજીમાં પોતાનું સરનામું દર્શાવ્યું હોય પરંતુ હાલમાં અન્ય સ્થળે વસવાટ કરતા હોય તો તેઓ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાંથી સહાયની રકમ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સરકાર અને લાભાર્થી વચ્ચે સેતુરૂપ બનીને સહાયની રકમ ઘરે પહોંચાડનાર પોસ્ટમેન વજીરભાઈ બગથરીયાએ લાભાર્થી બહેનોની લોકડાઉનની મનોવ્યથા સાથેના રાજીપાને પોતાના શબ્દોમાં વર્ણવતા કહ્યું હતું કે, જ્યારે હું એક ૭૫ વર્ષીય માતાને સહાયની રકમ તેમના હાથમાં સોંપી ત્યારે તેઓ ખુબ જ ભાવુક થઈ ગયા અને ગદગદિત સ્વરે આભાર માન્યો. આવો આભાર અમને ઘણો સંતોષ આપે છે. અને વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા મળે છે. સાથે દરેક લાભાર્થી બહેનોને સમયની સતર્કતા સાથે સહાયની રકમ પહોંચાડી શકુ હંમેશા તેવા પ્રયત્નો કરુ છું.
વજીરભાઈની વાતને અનુમોદન આપતા રાજકોટના મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, દરેક ગંગા સ્વરૂપ બહેનોને સહાયની રકમ જલ્દીથી મળી રહે તેવા પ્રયાસો સાથે મહિલા અને બાળ વિભાગ કચેરી તેમજ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના કર્મયોગીઓ દ્વારા નિષ્ઠાથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે લાભાર્થી બહેનોને માત્ર એટલી જ અપીલ છે કે, તેઓ તેમના આ કામ માટે પોસ્ટ ઓફિસ ન જતાં તેમના ઘરે જ રહે, અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરી કોરોનાને ફેલાતો અટકાવવામાં તંત્રને પૂરતો સાથ સહકાર આપે.
કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારના કર્મયોગીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે, તેવા સમયે આપણે પણ ઘરમાં જ રહીને તેમની કામગીરીને બીરદાવવી જોઈએ.