ઈન્ડિકા કારમાંથી દેશી રિવોલ્વર સહિત ૨.૫૭ લાખનો મુદામાલ જપ્ત
થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા વિગેરે સ્ટાફના માણસોની ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.ઢોલને બાતમી મળેલ કે, ચંદ્રેશ સામતભાઈ કાઠી પાસેથી યશપાલસિંહ જયેન્દ્રસિંહ રાણા તથા ધરમવીરસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ પોતાના કબજા ભોગવટાવાળી ઈન્ડિકા કારમાં તથા થાનગઢના દરબારગઢ પાસે આવેલ બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફની ટીમ સાથે ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૫ કિંમત રૂ.૮૨,૫૦૦/- મળી આવેલ હતી.
ઉપરાંત આ જગ્યાએ ઈન્ડિકા કાર નંબર જી.જે.૧૫ એ.ડી.૫૮૮૮ પડેલ મળી આવેલ હોય જેની કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિંમત રૂ.૨,૩૨,૫૦૦/-નો તપાસ અર્થે કબજે કરેલ અને રેઈડ દરમિયાન ઈન્ડિકા કાર નંબર જી.જે.૧૫ એ.ડી.૫૮૮૮ અંદર સર્ચ કરવામાં આવતા ઈન્ડિકા કારમાંથી એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવતા થાનગઢ પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. આ મળી આવેલ દેશી હાથ બનાવટથી રિવોલ્વરની કિંમત રૂ.૨૫,૦૦૦ ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ હતી.